સુરત/અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ
તરફથી) : `રેડ એલર્ટ'ની આગાહી સાથે ભારે વરસાદે હીરાનગરી સુરત સહિત દક્ષિણ ગુજરાતને ધમરોળતાં જનજીવન
પ્રભાવિત થયું છે. આજે વહેલી સવારથી સુરત સહિત આજુબાજુના વિસ્તારમાં ધોધમાર મેઘરાજા
વરસી પડતાં જિલ્લાના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંબિકા તાલુકામાં પણ 18.50 ઈંચ ખાબક્યો છે. હવામાન વિભાગની
આગાહીને કારણે આજે શાળા-કોલેજ સહિત કાપડમાર્કેટો,
હીરાના કારખાનાંઓ સહિતના ઔદ્યોગિક વિસ્તારના એકમો બંધ રહ્યા હતા. આવતીકાલે
પણ ભારે વરસાદની આગાહીને પગલે શૈક્ષણિક સંકુલો અને એકમોને બંધ રાખવાનો આદેશ કરાયો છે.
નવસારીમાં વરસાદ વચ્ચે કરંટથી ત્રણ મોત થયાં હતાં. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં
પૂરની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં ધોધમારથી ફરી પાણી છવાયાં હતાં. ચાલુ મહિનામાં
વરસાદને લીધે ત્રીજી વખત સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરમાં રાહત અને બચાવ માટે
વહીવટીતંત્ર ઉપરાંત પોલીસ વિભાગ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પહેલેથી જ કામે લાગી છે. આ સાથે વડોદરાથી આર્મીની ટુકડીઓ
સુરત આવી પહોંચી છે. શહેરમાં ફરી એક વખત ખાડીપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને
પગલે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં સિઝનમાં ત્રીજી વખત શહેરમાં ખાડીપૂર આવ્યું છે. તંત્ર
સતત ખાડીપૂરમાંથી બહાર નીકળવાની મથામણ કરી રહ્યું છે, પરંતુ અવિરત
વરસાદને પગલે શહેરની મધ્યેથી પસાર થતી બીજી ખાડીઓ પણ ઓવરફ્લો થવાની સંભાવનાએ પૂરનું
જોખમ યથાવત્ છે. વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. તમામ તાલુકાઓમાં ત્રણ ઈંચથી લઈને
10 ઈંચ સુધીનો ભારે વરસાદ પડી
ચૂકયો છે. જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકોને સલામત
સ્થળે ખસેડવાની વ્યવસ્થા શરૂ કરી છે. આ લખાય છે ત્યાં સુધી 1117 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
છે તેમજ સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદનાં કારણે આજે કુલ 97 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા
છે. ઉમરપાડામાં 12 જ કલાકમાં
10 ઈંચ જ્યારે માંગરોળમાં 10 ઈંચ, નેત્રંગમાં 11 ઈંચ, મહુવામાં ચાર ઈંચ, ઓલપાડમાં
છ ઈંચ, જ્યારે તાપી જિલ્લાના સોનગઢમાં સાડાચાર ઈંચ, ડોલવણમાં સાડા આઠ ઈંચ, ડાંગના સુલીરમાં આઠ ઈંચ વરસાદ
પડયો હતો. દરમ્યાન, અમદાવાદના પ્રતિનિધિના હેવાલ મુજબ નગરમાં
ધોધમાર વરસાદથી ફરી જળભરાવ થયો હતો. એસજી હાઈવેના પેલેડિયમ મોલ, ઈન્ડિયા કોલોની, સરસપુર વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન
પ્રભાવિત થયું હતું.