નવી દિલ્હી, તા.31 : કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે `ઊર્જાવાન' નિર્ણયો પર મહોર મારવામાં આવી હતી, જેમાં ઇંધણ ઊર્જા, સૌર ઊર્જા તથા ખેલકૂદ ક્ષેત્રે ખેલાડીઓની ઊર્જાને તીવ્ર ગતિ મળે એવી અબજોની
ફાળવણી કરવામાં આવી હતી, જેમાં 84084 કરોડના ખર્ચે ઘરેલુ ગેસ-તેલ
ઉત્પાદન વધારવા માટેની સમુદ્રમંથન યોજનાથી માંડીને તળાવો પર તરતી સૂર્ય પેનલ સાથેની
સૂર્યસરોવર યોજના સહિત અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીઓમાં
પીએમ કિસાન યોજનાને 2027થી 2031સુધી જારી રાખવા અને ખેલો ઈન્ડિયા
સહિત રમત ક્ષેત્ર માટે પાંચ વર્ષમાં 29 હજાર કરોડના ખર્ચ સાથેની યોજનાનો પણ સમાવેશ થાય છે. સરકારે શુક્રવારે
ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી `પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' (પીએમ-કિસાન) યોજનાને આગામી પાંચ વર્ષ એટલે
કે 2030-31 સુધી લંબાવવાનો મોટો નિર્ણય
લીધો છે. આ યોજના માટે રૂા.3.15 લાખ કરોડથી
વધુનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે અહીં
પત્રકારોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે 2026-27થી 2030-31 સુધી પીએમ-કિસાન યોજનાને ચાલુ
રાખવાની મંજૂરી આપી દીધી છે. દેશમાં તેલ અને
ગેસનું ઉત્પાદન વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી, કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે રૂા. 84,084 કરોડની `સમુદ્ર મંથન' નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમને મંજૂરી આપી
દીધી છે. આ યોજના અંતર્ગત ઊંડા દરિયાઈ (ડીપસી અને અલ્ટ્રા-ડીપસી) વિસ્તારોમાં ઓઈલ અને
ગેસ શોધવાના ઊંચા ખર્ચને પહોંચી વળવા, શોધખોળ માટેના કુવાઓ (એક્સપ્લોરેટરી
વેલ્સ) ખોદવા અને ઉત્પાદન માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે નાણાકીય સહાય પૂરી
પાડવામાં આવશે. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા
અનુસાર, આ યોજના હેઠળ સરકાર દ્વારા ઊંડા સમુદ્રમાં ખોદવામાં આવતા
પ્રત્યેક કૂવા માટે રૂા.650 કરોડ સુધીની
આર્થિક સહાય આપવામાં આવશે. દેશમાં રમતગમતને
પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય
કેબિનેટે આઝાદી પછીના સૌથી મહત્ત્વાકાંક્ષી રમતગમત વિકાસ કાર્યક્રમ અંતર્ગત વિસ્તૃત
`ખેલો ઇન્ડિયા' યોજના અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (એએનએસએફ)
માટેની સહાયને મંજૂરી આપી દીધી છે. આગામી પાંચ વર્ષ માટે આ બંને યોજનાઓનું સંયુક્ત
બજેટ રૂા. 36,441 કરોડ
નક્કી કરવામાં આવ્યું છે. સરકારે `ખેલો ઇન્ડિયા' યોજના માટે રૂા.29,054 કરોડ ફાળવ્યા છે, જેનો મુખ્ય હેતુ જમીનીસ્તરે પ્રતિભાશાળી ખેલાડીઓ
તૈયાર કરવાનો છે. ભારત 2030 કોમનવેલ્થ
ગેમ્સની યજમાની કરવા અને 2036 ઓલિમ્પિક્સ
માટે દાવેદારી નોંધાવીને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ યોજના તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત, આગામી પાંચ વર્ષ માટે એએનએસએફ (નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ)
ની સહાય માટે રૂા.7,387 કરોડ નક્કી
કરવામાં આવ્યા છે. વર્ષ 2026-27 માટે
એએનએસએફનું વર્તમાન બજેટ માત્ર રૂા. 425 કરોડ હતું, જેમાં
હવે મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
કેબિનેટે ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ (એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ) સહિત તરતા સોલાર ફોટોવોલ્ટાઇક
પ્રોજેક્ટ્સના વિકાસ માટે 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના'
(પીએમ-એસએસવાય)ને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની
વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ યોજનાને રૂા. 5,070 કરોડના કુલ બજેટ સાથે મંજૂર
કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 5,000 મેગાવોટ ક્ષમતાના ફ્લાટિંગ
સોલાર ફોટોવોલ્ટાઇક પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે,
જેમાં ઊર્જા સંગ્રહ પ્રણાલીઓ પણ સામેલ હશે. આ પ્રણાલીઓની ન્યૂનતમ સંગ્રહ
ક્ષમતા બે કલાકની રહેશે અને કુલ ઊર્જા સંગ્રહ ક્ષમતા 10,000 મેગાવોટ હશે. મંત્રીએ જણાવ્યું
હતું કે, આ યોજના માટે કોઈ વધારાની જમીન સંપાદનની જરૂર
રહેશે નહીં, કારણ કે, તેમાં વર્તમાન જળાશયો,
નહેરો અને ઔદ્યોગિક તળાવોનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાની મુદત પાંચ
વર્ષની રહેશે.