• બુધવાર, 08 એપ્રિલ, 2026

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી

ઈમ્ફાલ, તા. 7 : મણિપુરમાં ફરી એક વાર અશાંતિનો માહોલ છે. ગઈ રાત્રે સંદિગ્ધ કુકી ઉગ્રવાદીઓ દ્વારા રોકેટ અને મિસાઈલ વડે કરાયેલા હુમલામાં બે બાળકનાં મોત થયાં હતાં અને તેમની માતા ગંભીરપણે ઘાયલ થયા બાદ ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ઉગ્ર દેખાવોને નાથવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડયો હતો, જેમાં બે જણનાં મોત થયાં હતાં. અનેક પ્રદર્શનકારો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ વિષ્ણુપુર અને તેની સાથેના ચાર અન્ય જિલ્લામાં ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા બંધ કરી નાખ્યો હતો. વિષ્ણુપુરમાં કર્ફ્યૂ લદાયો હતો. અહેવાલોમાં જણાવાયું હતું કે, વિષ્ણુપુરના મોઈરાંગ ટ્રોંગલાઓબી વિસ્તારમાં રાત્રે એક વાગ્યે સંદિગ્ય ઉગ્રવાદીઓએ એક ઘર બોમ્બ વડે હુમલો કર્યો હતો, જેમાં પાંચ વર્ષનાં બાળક અને છ મહિનાની બાળાનું મૃત્યુ થયું હતું. સવારે મોટી સંખ્યામાં લોકો શેરીઓમાં ઊતર્યા હતા અને ઠેર ઠેર ચક્કાજામ કરી દીધો હતો. ટોળાંએ અનેક વાહનોને  આગ ચાંપી હતી, તો પેટ્રોલ પંપ પાસે બે તેલ ટેન્કરને પણ ફૂંકી માર્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ મોઈરાંગ પોલીસ મથક બહાર પણ વાહનોને આગ ચાંપી હતી અને એક કામચલાઉ સીઆરપીએફ  ચોકીમાં તોડફોડ કરી હતી. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક લોકો ઘવાયા હતા. સમગ્ર વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરાયા છે અને વિષ્ણુપુર, પૂર્વ અને પશ્ચિમ ઈમ્ફાલ, કાકચિંગ અને થૌબલમાં નેટબંધી કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી વાયે ખેમચંદ સિંહે આ હુમલાની ટીકા કરી હતી અને ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. 

Panchang

dd