• બુધવાર, 08 એપ્રિલ, 2026

ઇરાનને રાત વચ્ચે ભૂંસી નાખવા ચોમેરથી હુમલા

નવી દિલ્હી, તા. 7 : ઈરાનને પાષાણ યુગમાં પહોંચાડી દેવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 48 કલાકની મહેતલ પૂરી થાય તે પહેલાં જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનમાં ભારે તબાહી મચાવતાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ખાર્ગ ટાપુ સહિતનાં સ્થળોએ ભયાનક હુમલાઓ શરૂ કરી દીધા હતા. ઈરાનની ઓઈલ નિકાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ એવો ખાર્ગ ટાપુ ધડાકાઓથી ધણધણી ઊઠયો હતો. આ ઉપરાંત ઈરાનના મહત્ત્વના હાઈવે અને રેલવેના પુલો સહિત કુલ પ0 જેટલા ઠેકાણાંને પ્રચંડ વિસ્ફોટોથી ખળભળાવી નાખ્યાં હતાં. એકબાજુ આ હુમલા ચાલતા હતા, ત્યારે બીજીબાજુ ટ્રમ્પે અત્યાર સુધીની સૌથી ખતરનાક ધમકી આપતાં કહ્યું હતું કે, આજ રાતે પાંચ હજાર વર્ષ જૂની એક આખી સભ્યતા ખતમ થઈ જશે, જેને પાછી લાવી શકાશે નહીં. હું આવું ઈચ્છતો નથી, પણ કદાચ આવું જ થશે. બીજી તરફ ઇરાને વળતા વારમાં કહ્યુંંં હતું કે, ઇરાનીઓ વિરુદ્ધ ઊઠનારી તમામ આંગળીઓને અમે કાપી નાખશું. યુદ્ધ ખતરનાક વળાંકે આવી પહોંચતાં દુનિયાભરમાં ઉચાટ છે. અમેરિકા અને ઈઝરાયલની સેનાએ આજે ઈરાનમાં રેલવે સ્ટેશનોથી લઈને પુલોને નિશાન બનાવવા માંડયા હતા. ઈરાનમાં એકસાથે અનેક ઠેકાણે હુમલો બોલાવી દેવામાં આવતાં દુનિયા સ્તબ્ધ રહી ગઈ હતી. યાહ્યા રેલવે બ્રિજથી લઈને શહરિયારમાં નાગરિકોનાં ઠેકાણાંઓ પણ આ હુમલાની ચપેટમાં આવી ગયાં હતાં. બ્રિટનનાં મથક પરથી અમેરિકી બોમ્બવાહક વિમાનોએ પણ ઉડાન ભરી છે. દરમિયાન ઈરાનની રાજધાની તેહરાનમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. ઈઝરાયલનાં લડાકુ જેટ તેહરાનના આકાશમાં ભમતા હતાં અને સંખ્યાબંધ ઠેકાણે પ્રચંડ વિસ્ફોટથી ભારે ખાનાખરાબી મચી હતી. ઈઝરાયલે ઈરાનના લોકોને ચેતવણી પણ આપી હતી કે, 12 કલાક સુધી ટ્રેનમાં સફર ન કરવી અન્યથા જીવ જોખમાઈ શકે છે. એકબાજુ ઈરાનનાં માળખાંકીય સ્થળો ઢાંચા ઉપર હુમલા શરૂ કર્યા બાદ અમેરિકાએ ઈરાનના ક્રૂડ ઓઈલ નિકાસનાં હબ ખર્ગ દ્વીપને પણ નિશાને લીધો હતો. ખર્ગ ઉપર આજે મોટાપાયે બોમ્બમારો ચલાવવામાં આવ્યો હતો. આ હુમલા ત્યારે કરવામાં આવ્યા છે, જ્યારે ટ્રમ્પે આપેલું વીજમથકો અને પુલ ઉડાવવાનું અલ્ટિમેટમ પૂરું થવામાં હતું.  ઈરાન ઉપર અમેરિકા-ઈઝરાયલના આક્રમણ વચ્ચે ટ્રમ્પે આપેલી નવી ધમકીથી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ટ્રમ્પે હવે ઈરાનમાં એક આખી સભ્યતા ખતમ કરી નાખવાની ધમકી આપી છે. તેમણે આગળ કહ્યું હતું કે, કંઈક ક્રાંતિકારી કે અદ્ભુત પણ ઘટિત થઈ શકે છે. બીજીબાજુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે, ઈરાનના 1.4 કરોડ લોકો મરવા માટે તૈયાર છે. ઈરાનની સુરક્ષા અને અસ્મિતા માટે કુરબાન પણ થઈ શકે છે અને આમાં હું સૌથી પહેલાં રહીશ. સામે પક્ષે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ મોટું નિવેદન કરતાં કહ્યું હતું કે, ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે, હવે નક્કી ઈરાને કરવાનું છે. વોશિંગ્ટન હવે તેહરાનની પ્રતિક્રિયાની રાહ જુએ છે. જરૂર પડયે અમેરિકા કઠોરમાં કઠોર પ્રતિક્રિયા આપવા માટેની તમામ ક્ષમતા ધરાવે છે. - ઈરાની નેતા ખોમેની બેભાન હોવાનો દાવો : નવી દિલ્હી, તા. 7 : મધ્ય- પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખોમેનીના સ્વાસ્થ્ય અંગે એક મોટો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર `ધ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ખોમેની ઈરાનના શહેર કોમની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બેભાન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના પહેલા દિવસે ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા થયા બાદ 56 વર્ષીય ખામેનીને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ હુમલામાં મોજતબા ખામેનીને પણ ઈજા થઈ હતી. તેમની સારવાર કોમ શહેરમાં ચાલી રહી હોવાના અહેવાલ છે. ધ ટાઈમ્સે એક રાજદ્વારી મેમો અને યુએસ-ઈઝરાયલી ગુપ્તચર માહિતીનો હવાલો આપતા અહેવાલમાં એવો દાવો કર્યો હતો કે, તેઓ હાલમાં `દેશ ચલાવવાની સ્થિતિમાં નથી'. આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ પછી મુજતબાને દેશની કમાન સોંપવામાં આવી હતી. જોકે, સત્તા સંભાળ્યા પછી ખામેની જાહેરમાં જોવા મળ્યા નથી. તેમણે અત્યાર સુધી ફક્ત થોડા લેખિત નિવેદનો જારી કર્યા છે. તેમની ગેરહાજરીને કારણે તેમની સ્થિતિ અને ઠેકાણા અંગે ઘણી અટકળો થઈ રહી છે. અગાઉ, ઈરાની સરકારી ટેલિવિઝન અને કેટલાક ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે તેઓ હવાઈ હુમલામાં થયેલી ઈજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે.  મુજતબાની જાહેરમાં ગેરહાજરીથી તેમના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉભા થયા છે. અગાઉના અહેવાલો સૂચવે છે કે તેઓ રશિયાની રાજધાની મોસ્કોમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે, રશિયન રાજદૂતે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ઈરાનમાં જ રહ્યા છે. બ્રિટિશ અખબાર ધ ટાઇમ્સે હવે આ વાતની પુષ્ટિ કરી છે.  

Panchang

dd