રાજકોટ, તા. 20 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે રાજકોટમાં
અગ્રણી નાગરિકો સાથેની ગોષ્ઠિ દરમિયાન આજે અત્યંત મહત્ત્વનો મુદ્દો છેડતાં કહ્યું કે, હિન્દુ અને મુસલમાન એક સાથે રહી શકે નહીં તેવો
વિચાર ફરી ફેલાવાઈ રહ્યો છે, પરંતુ તેવું નથી. આજે પણ બન્નેનો
સહવાસ શક્ય છે જ. આ વાત કરતાં કરતાં તેમણે ઘણા મહત્ત્વના સંકેત આપ્યા હતા. તેઓ બે દિવસ
સૌરાષ્ટ્રના પ્રવાસે હતા, તેમાં બીજા દિવસે આ ગોષ્ઠિ કરી હતી.
ભાગવતે આખી ગોષ્ઠિ દરમિયાન કેટલાક મુદ્દા મહત્ત્વના કહ્યા તેમાંનો એક હતો, પાડોશી દેશોમાં ચાલી રહેલી પરિસ્થિતિ. તેમણે કહ્યું કે, હિન્દુ અને મુસલમાન એક સાથે રહી શકે નહીં તેવો વિચાર ફરી વહેતો થયો છે. પાડોશી
દેશોમાં એ સ્થિતિ છે. હિન્દુ-મુસલમાન સાથે રહેતા આવ્યા છે અને રહી જ શકે. સાથે રહેવાના
કેટલાક નિયમો હોય છે તે પાળવા પડે. તેમણે કહ્યું કે, આ કંઈ 1947 નથી કે ફરી દેશનું વિભાજન થશે.
આપણા પાડોશી રાષ્ટ્રો પણ મૂળ તો આપણા જ હિસ્સા છે. આપણા અંગો છે. મૂળ શરીરથી તે છુટ્ટા
પડી ગયા છે તેથી થોડા બીમાર છે. અમે લોકો-લોકો વચ્ચે સંપર્કની કોશિશ કરી રહ્યા છીએ.
અમે ઈચ્છીએ કે, વાતચીતથી બધું થાય. ક્યારેક
કોઈ તોફાની છોકરો હોય તો બે તમાચા પણ મારવા પડે. તેમણે કહ્યું કે, સંઘ સમાજ છે. સરકાર નથી. કોઈ કાર્યવાહી કરવાની થાય તો તે સરકાર કરે. અમે બધાને
અમારા બંધુ માનીએ છીએ. આપણે આપણો સદ્ભાવ અખંડ રાખીને કામ કરવાનું છે. એકતા અને ગુણવત્તાવાળો
સમાજ તૈયાર કરવાનું કાર્ય આપણુ છે, એ સમાજ પોતાની પરંપરા અને
પૂર્વજોને યાદ કરે તે જરૂરી છે. દેશને કામ આવે તેવો સમાજ અમે તૈયાર કરીએ છીએ. આ આખી
વાતનો તેમનો સંકેત ઘણો ઊંડો હતો. - અનામત જેમને
મળે છે તેમણે 2000 વર્ષ અપમાનનો દંશ સહન કર્યો : રાજકોટ, તા. 20 : દેશમાં અનામત-આરક્ષણની વ્યવસ્થા સંદર્ભના એક પ્રશ્નના ઉત્તરમાં
મોહન ભાગવતે કહ્યું કે, અનામતને લીધે
આપણે વિભાજિત નથી, આપણે વિભાજિત થયા તેથી અનામતની પ્રથા અમલી
બની છે. અનામત એવા લોકો માટે અપાઈ જે લોકો વર્ષોથી પાછળ રહી ગયા હતા. 2000 વર્ષ સુધી તેમણે અપમાનનો દંશ
સહન કર્યો હતો. સમય જતાં અનામત સ્વાર્થ અને અપ્રમાણિકતાને લીધે રાજનીતિ બની ગઈ. જે
લોકો પાછળ છે તે બરાબરીમાં આવી જાય તેવું કરવું પડશે. જે લોકો આરક્ષણ લે છે તેઓ જ્યારે
એમ કહે કે, હવે જરૂર નથી, ત્યારે તે હટાવવું જોઈએ.