આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 20 : દેશના વડાપ્રધાન
પદે હોવા છતાં હું ભાજપનો એક અદનો કાર્યકર છું અને નીતિન નબીન પાર્ટીના અધ્યક્ષના નાતે
મારા બોસ છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ આજે જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે 45 વર્ષના નીતિન નબીન નિર્વિરોધ
ચૂંટાયા બાદ ભાજપના મુખ્યાલયમાં ઉપસ્થિત પાર્ટીના દેશભરના નેતાઓને સંબોધતા વડાપ્રધાને
નબીનને શુભેચ્છાઓ આપવા સાથે જ કહ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી વિશાળ રાજકીય પાર્ટી છે અને એના અધ્યક્ષ બન્યાથી આપની જવાબદારી
ખૂબ મોટી છે. હું ભાજપનો અદનો કાર્યકર છું અને નીતિન નબીન મારા બોસ છે. નબીન આજથી પાર્ટીના
પ્રત્યેક કાર્યકર્તાના બોસ છે અને એમની જવાબદારી માત્ર પાર્ટીને ચલાવવાની જ નથી એનડીએના
આપણા સહયોગી દળોની સાથે પણ સંવાદ જાળવી રાખવાની છે. પાર્ટીના નેતાઓને સંબોધતા વડાપ્રધાને
કહ્યું હતું કે, આગામી 25 વર્ષ ખૂબ જ મહત્ત્વનાં છે, કેમ કે આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું
છે અને એ થઇને જ રહેશે. આજથી નીતિન નબીનનો ભાજપના અધ્યક્ષ પદનો કાર્યારંભ થઇ રહ્યો
છે, એમણે પાર્ટીના વારસાને આગળ વધારવાનો છે. નીતિન નબીન ભાજપના
નવી પેઢીના આદર્શ નેતા છે એવું જણાવી મોદીએ કહ્યું હતું કે, યુવા
વર્ગનો અવાજ એ બની શકે છે. કેમ કે, એ પોતે યુવા છે. નબીન એ પેઢીનું
નેતૃત્વ કરી રહ્યા છે જેમણે દેશ-દુનિયામાં આર્થિક, સામાજિક અને
ટેક્નોલોજિકલ બદલાવો જોયા અને અનુભવ્યા છે. બાળપણમાં નબીને રેડિયો સાંભળીને સૂચનાઓ
મેળવી હતી અને આજે એ એઆઇના સક્રિય યુઝર છે. નીતિન નબીનમાં યુવા વર્ગની એનર્જી સાથે
પાર્ટી સંગઠન અને (રાજ્ય) સરકારના હોદાનો પણ અનૂભવ છે. એમનો આ અનુભવ પાર્ટીના કાર્યકરોને
માટે લાભદાયી રહેશે. મોદીએ જણાવ્યું કે, દેશે પાર્ટીઓ અને સત્તામાં
પરિવારવાદને જોયો છે અને હવે ભાજપના વિકાસનું મોડેલ જોઇ રહ્યો છે. સામાજિક ન્યાય અને
ગરીબોની સરકાર એ ભાજપનો મંત્ર છે. ભાજપમાં પરિવારવાદ, પ્રાંતવાદ,
ભાષાવાદ કે અન્ય કોઇ સામાજિક ભેદભાવ નથી.