• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

સોનાં-ચાંદી નવાં શિખરે; શેરબજાર તળિયે

ચાંદી 3.23 લાખનાં વિક્રમી સ્તરે : સોનું 5100 વધીને 1.53 લાખ : નવી દિલ્હી/ભુજ, તા. 20 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને બ્રિટનથી આવતા સામાન ઉપર વધારાનો ટેરિફ લાદવાના કરેલા નિર્ણય બાદ યુરોપ પણ અમેરિકા ઉપર 93 અબજ યુરો સુધીનો ટેરિફ તેમજ અમેરિકી કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા સુધીની તૈયારી કરવામાં આવતાં વૈશ્વિક વ્યાપાર ખોરવાના ભયે સોના-ચાંદીમાં નવા ઉચ્ચસ્તર સાથે જબ્બર ઉછાળો થયો હતો. નવી દિલ્હીમાં પણ સોના-ચાંદીમાં તીવ્ર ઉછાળાનો દોર જારી છે અને સોનું દસ ગ્રામે રૂા. 5100 વધીને તો રૂા. 1,53,200 તો ચાંદી પ્રતિ કિલો રૂા. 20,400ના વધારા સાથે રૂા. 3,23,000 ઉપર પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ પરના વિવાદમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલાક યુરોપિયન દેશો પર વધારાના ટેરિફની ચેતવણી આપ્યા બાદ યુરોપિયન સાથીદેશોને શ્રેણીબદ્ધ ટેરિફ વધારવાની ધમકી આપી હતી. આમ ભૂરાજકીય અને આર્થિક સંકટ સર્જાવાના ભયે હેજફંડો અને મોટાં રોકાણકારોને સ્થિતિ ડહોળાતી દેખાતાં સલામત ગણાતા સોના-ચાંદીમાં મોટાપાયે ખરીદી કરતાં થકી બંને કિંમતી ધાતુમાં વિક્રમી તેજી જોવા મળી  હતી. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 4600નો વધારો થઈ 1,53,600 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 17 હજારનો જબ્બર ઉછાળો થઈ 3,15,000ના ભાવ રહ્યા હતા. - સેન્સેક્સ એક હજાર અંક તૂટતાં 9.86 લાખ કરોડ સાફ : મુંબઇ, તા. 20 (પીટીઆઇ) : વિશ્વબજારોની અનિશ્ચિત સ્થિતિ, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીઓનાં મિશ્રિત પરિણામોની અસર હેઠળ દેશના શેરબજારોમાં ફરી મોટો કડાકો બોલ્યો હતો. છેલ્લા થોડા દિવસથી ગગડી રહેલા શેરબજારોમાં બીએસઇ સેન્સેક્સ 1000 અંક તૂટયો હતો. આજના મોટા ઘટાડાએ રોકાણકારોના 9.86 લાખ કરોડ સાફ કર્યા હતા. નિફ્ટી પણ 353 અંક ગુમાવી 25,235 થયો હતો. બીએસઇ મિડકેપ 1,159.50 અને સ્મોલકેપ 1,344.25 અંક તૂટતાં નાના રોકાણકારોના લલાટે ચિંતા દેખાતી હતી. કારોબાર દરમ્યાન સેન્સેક્સ 1,220 અંક કરતાં પણ વધુ તૂટયો હતો. વિશ્વસ્તરે ટ્રેડવોરની વધતી આશંકાઓએ રોકાણકારોના મનોબળને નબળું બનાવ્યું છે. બપોરના ગાળામાં સેન્સેક્સ 1,223.27 અંક ગબડીને 82,022નાં સ્તરને સ્પર્શ્યો હતો. મંગળવારે નિફ્ટી 353 પોઇન્ટ્સનાં ગાબડાંએ 25,232.50 થઈ ગયો હતો. એપ્રિલ 2025 પછીનો નવ મહિનાનો આ સૌથી મોટો દૈનિક ઘટાડો હતો. સેન્સેક્સ 1,066 પોઇન્ટ્સ ગગડવા સાથે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન દસ લાખ કરોડ રૂપિયા ઓછું 455.76 લાખ કરોડ થતાં રોકાણકારોની અવદશા થઈ ગઈ હતી. રૂપિયો પણ ડોલર સામે વધુ સાત પૈસા ગુમાવી 90.98 જેવો હતો. વેચવાલીનાં ભારે દબાણ હેઠળ નિફ્ટી 25,585.50વાળો 25,580 ખૂલી ક્ષણ માત્રમાં 25,585નો હાઈ બનાવી જોરદાર વેચવાલીની સુનામીમાં ઘટીને 25,171નાં દૈનિક બોટમે પહોંચ્યા પછી એ લેવલથી માત્ર સોએક પોઇન્ટ્સ વધી, દૈનિક 1.38 ટકા, 353 પોઇન્ટ્સ ગુમાવી 25,232.50 થઈ ગયો હતો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીની અવધિનું આજે નિમ્નતમ સ્તર જોવા મળ્યું હતું. હવે સપ્ટેમ્બરનું 24,587નું અને ઓગસ્ટનું 24,337નું બોટમ પણ તૂટે તો બજાર બેહાલ થઈ શકે એવો મત અમુક એનાલિસ્ટો વ્યક્ત કરવા લાગ્યા છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ દબાણ હેઠળ રહ્યો, તેમાં 487 પોઇન્ટ્સ ઓછા થતાં 0.81 ટકા ગુમાવીને 59,404.20ના સ્તરે બંધ હતો. દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, અમેરિકા-ગ્રીનલેન્ડનો મુદ્દો, અમુક નાટો દેશો પર વધારાની 10 ટકાના ટેરિફ જેવાં પરિબળો અને મંગળવારની નિફ્ટી સાપ્તાહિક ઓપ્શન્સ એક્સપાયરીએ બજારનો દાટ વાળ્યો છે. મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ તો અઢી ટકા ઊતરી જતાં મંગળવારે 13,307 પર વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીને સવા બે ટકાનું નુકસાન થતાં એ ઘટીને 67,110ની સપાટીએ આવી ગયો હતો. - રૂા. 10 લાખ કરોડની મૂડી ધોવાઈ ગઈ : એનએસઈ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 463.40 લાખ કરોડથી ઘટીને રૂા. 453.81 લાખ કરોડનાં સ્તરે આવી જતાં ઇન્વેસ્ટરોની મૂડીના રૂા. દસ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. બીએસઈમાં એ રૂા. 465.68 લાખ કરોડથી ઘટીને રૂા. 455.82 લાખ કરોડનાં સ્તરે આવી ગયું હતું. 

Panchang

dd