નવી દિલ્હી, તા. 13 : રશિયા સાથે
વેપાર કરતાં દેશો ઉપર ઉંચા ટેરિફ લાદવાની ફોર્મ્યુલાથી હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ઈરાન ઉપર પણ આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક કરી નાખી છે. તેમણે ઈરાન સાથે વેપાર કરતાં
દેશો ઉપર તાત્કાલિક અસરથી 2પ ટકા ટેરિફ
ઝીંકી દીધો છે. આનાં હિસાબે ભારતની ચા, ખાંડ, દવા અને ચોખાની નિકાસને આંચકો લાગશે. જો કે,
ભારતનો કારોબાર બહુ મોટો ન હોવાથી મોટી અસર નહીં થાય. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં આની
ઘોષણા કરતાં લખ્યું હતું કે, તાત્કાલિક અસરથી લાગુ. કોઈપણ દેશ
ઈસ્લામિક ગણરાજ્ય ઈરાન સાથે વેપાર કરશે તો અમેરિકા એ દેશ ઉપર તમામ પ્રકારનાં વેપારમાં
2પ ટકા ટેરિફ વસૂલશે. આ અંતિમ અને નિર્ણાયક
આદેશ છે. ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથે
ચીન, બ્રાઝિલ, તુર્કી, રશિયા અને ભારત સહિતનાં દેશો આ નવા ટેરિફથી પરોક્ષ નિશાને આવી જાય છે કારણ
કે આ તમામ દેશો ઈરાન સાથે સારા એવા પ્રમાણમાં કારોબાર ધરાવે છે. ઈરાનની રાજધાની તેહરાનમાં
ભારતીય દૂતાવાસે જણાવ્યા અનુસાર ભારત અને ઈરાન મોટા કારોબારી ભાગીદાર દેશ છે અને તાજેતરનાં
વર્ષોમાં ઈરાનનાં પાંચ સૌથી મોટા વેપાર ભાગીદાર દેશમાં પણ ભારતનો સમાવેશ થાય છે. ભારતમાંથી
ચોખા, ચા, ખાંડ, દવા,
સ્ટેપલ ફાઈબર્સ, ઈલેક્ટ્રોનિક મશીનરી, ઈમિટેશન ઝવેરાત વગેરે ઈરાનમાં નિકાસ કરવામાં આવે છે. જ્યારે સૂકામેવા,
રસાયણો, કાચનો સમાન સહિતની ચીજો ત્યાંથી આયાત કરવામાં
આવે છે. ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે દેશવ્યાપી
વિરોધ પ્રદર્શન સામે બળપ્રયોગ અને હિંસાનાં મુદ્દે અમેરિકાએ ઈરાનમાં સૈન્ય કાર્યવાહી
કરવા સહિતનાં વિકલ્પો અજમાવવાની ધમકીઓ આપેલી છે અને આ તંગ માહોલ વચ્ચે અમેરિકાએ ઈરાન
ઉપર રશિયાની જેમ આર્થિક હુમલો બોલાવી દીધો છે.
ભારતને અમેરિકા સાથે વેપાર સમજૂતી હજી નિર્ણાયક તબક્કે પહોંચી નથી ત્યારે અમેરિકાએ
આડકતરી રીતે ભારત ઉપર દબાણ વધારવા માટે આ વધુ એક કીમિયો અજમાવ્યો હોય તેવો પણ ઘાટ ઘડાયો છે.