• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અમેરિકા સાથે આજે વેપારસંધિ પર ચર્ચા

નવી દિલ્હી, તા.12: ભારતમાં અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે આજે પોતાનું પદ સંભાળ્યું હતું. આ દરમ્યાન તેમણે કહ્યું કે અમેરિકા માટે ભારતથી વધુ જરૂરી કોઈ દેશ નથી. ગોરે કહ્યું કે બંને દેશ વચ્ચે વ્યાપાર સમજૂતી અંગે આવતીકાલે ફોન પર વાત થવાની છે. તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સાચા મિત્ર  ગણાવ્યા હતા. અમેરિકી રાજદૂતે કહ્યું કે મોદી અને ટ્રમ્પની મિત્રતા અસલી છે. તેમણે કહ્યું કે સાચા મિત્રો કોઈ મુદ્દે અસહમત થતા હોય તો પણ અંતમાં તો હંમેશાં પોતાના મતભેદોને ઉકેલી લે છે. પોતાના પહેલા સંબોધનનો આરંભ ગોરે `નમસ્તે' સાથે કર્યા બાદ જણાવ્યું કે ભારત એક અસાધારણ રાષ્ટ્ર છે અને અહીં કામ કરવું એક સન્માનની વાત છે. અમેરિકી રાજદૂતે વ્યાપાર સમજૂતી અંગે કહ્યું કે બંને પક્ષ સતત સંપર્કમાં છે અને વાતચીત આગળ વધી રહી છે. ભારત દૂનિયાનો સૌથી મોટો દેશ છે એટલે આ પ્રક્રિયા આસાન નથી પરંતુ બંને દેશ તેને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. સર્જિયો ગોરે કહ્યું કે વ્યાપાર એ ભારત અને અમેરિકાના સંબંધોનો મહત્ત્વનો ભાગ છે પરંતુ સહયોગ માત્ર વ્યાપાર સુધી સીમિત નથી. બંને દેશ સુરક્ષા, આતંકવાદ, ઊર્જા, ટેક્નોલોજી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવાં ક્ષેત્રમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-2025માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ઓગસ્ટમાં ગોરને ભારતના રાજદૂત નીમ્યા હતા. તેમને ટ્રમ્પની ટીમમાં પરદા પાછળના સૌથી વગદાર હસ્તીમાંથી એક માનવામાં આવે છે.

Panchang

dd