• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

હું વેનેઝુએલાનો રાષ્ટ્રપતિ : ટ્રમ્પ

નવી દિલ્હી, તા.12: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિકથી લઈને સૈન્ય સહિતનાં મોરચા એકસાથે ખોલી દીધા બાદ દુનિયામાં અસ્થિરતાનો માહોલ પેદા થઈ ગયો છે. આ બધા વચ્ચે વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું તેમનાં ઘરમાંથી જ અપહરણ કરાવી લીધા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ કરી છે જેને લઈને દુનિયામાં ફરીથી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પે હવે પોતાને વેનેઝુએલાનાં કાર્યવાહક રાષ્ટ્રપતિ ગણાવી દીધા છે. બીજીબાજુ વેનેઝુએલાનાં સહયોગી દેશ ક્યૂબાને પણ ટ્રમ્પે વધુ એક ચેતવણી આપી છે. માદુરોને પદભ્રષ્ટ કર્યા બાદ ક્યૂબામાં મોટાપાયે વિરોધ ભડકવાની આશંકા છે. જેને પગલે ટ્રમ્પે ધમકી આપી છે કે, જો ક્યૂબા અમેરિકા સાથે સમજૂતી નહીં કરે તો તેણે પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. જો આનો નિર્ણય તાત્કાલિક કરવામાં નહીં આવે તો પછી મોડું થઈ જશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર એક તસ્વીર પોસ્ટ કરી હતી અને તેમાં વિકીપીડિયાનાં એડિટ થયેલા પેઈજમાં ટ્રમ્પને જાન્યુઆરી 2026થી વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવેલા છે. ટ્રમ્પની આ પોસ્ટ ભારે વાયરલ બની ગઈ હતી અને તેમનાં ઈરાદા સામે પણ સવાલો ઉઠવા લાગ્યા હતાં. વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિની ડ્રગ્સ તસ્કરીનાં આરોપમાં ધરપકડ કર્યા બાદ અમેરિકાએ વેનેઝુએલામાં ઓઈલ ઉત્પાદન, વિતરણને પણ નિયંત્રિત કરવાં માંડયું છે અને તેનાં ભાગરૂપે ટેન્કરો પણ જપ્ત કરી રહ્યું છે. જેમાં ક્યૂબા વેનેઝુએલાથી ઓઈલની ખેપથી વંચિત રહી ગયું છે. આ વિશે ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, લાંબા સમયથી ક્યૂબા વેનેઝુએલાનાં ઓઈલ અને નાણાનો ઉપયોગ કરી રહ્યું હતું અને બદલામાં તેને સુરક્ષા પૂરી પાડતું હતું. જો કે હવે આવું નહીં ચાલે. ક્યૂબાને ઓઈલ કે ધન, કંઈ જ મળવાનું નથી. તેમને મારી સલાહ છે કે, મોડું થઈ જાય તે પહેલા અમેરિકા સાથે સમાધાન કરી લે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સેનાએ માદુરોની ધરપકડનું ઓપરેશન ચલાવ્યું તેમાં વેનેઝુએલાની રાજધાનીમાં તૈનાત ક્યૂબાનાં સૈનિકો પણ મરાયા હતાં.

Panchang

dd