આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 12 : આ વર્ષે રાષ્ટ્રમંડળ (કૉમનવેલ્થ) દેશોની સંસદના અધ્યક્ષો (સ્પીકર્સ) અને પીઠાસીન અધિકારીઓ (પ્રિસાઇડિંગ અૉફિસર્સ)ના 28મા સંમેલન (સીએસપીઓસી)નું યજમાન ભારત છે. ગ્વેનર્સેમાં આયોજિત સીએસપીઓસીની સ્થાયી સમિતિની બેઠકમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ માહિતી આપી હતી. બિરલાના જણાવ્યા પ્રમાણે ભારતમાં આયોજિત સીએસપીઓસીમાં મુખ્યત્વે સંસદીય પ્રક્રિયાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને સોશ્યલ મીડિયાના ઉપયોગ જેવા વિષયોની ચર્ચા થશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ ઉપર ટ્વીટ કરીને બિરલાએ જાણકારી આપી હતી કે આજે ગ્વેનર્સેમાં કૉમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ અધિકારીઓની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ભારતના કૃષિ, ફિનટેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં ક્ષેત્રોમાં પરિવર્તનો વિશે પ્રસ્તુતી કરી. આ પરિવર્તનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી અને સશક્ત નેતૃત્વને આભારી છે. બિરલાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે 2026માં ભારતમાં થનારા સીએસપીઓસી સંમેલનમાં સંસદીય પ્રક્રિયાઓમાં એઆઇ અને સોશ્યલ મીડિયાના ઉપયોગ સંબંધી ચર્ચા થશે. ગ્વેનર્સેમાં બિરલાએ ભારતની આર્થિક પ્રગતિ અને ટેક્નૉલૉજી ક્ષેત્રની ઉપલબ્ધિઓ ઉપર પ્રકાશ પાડયો હતો. બિરલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેવી રીતે ભારતે કૃષિ, ફિનટેક અને એઆઇ ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરી છે. બિરલાએ 2026માં ભારતમાં થનારી સીએસપીઓસી માટે બધા દેશના પ્રતિનિધિઓને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સંમેલન ભારતની સાંસ્કૃતિક વિરાસત અને આધુનિક વિકાસના તાલમેલને પ્રદર્શિત કરશે. બિરલાએ પોતાના સંબોધનમાં વૈશ્વિક જળ-વાયુ પરિવર્તન (ગ્લોબલ વૉર્મિંગ), આતંકવાદ અને સાયબર ક્રાઇમ સહિતના વૈશ્વિક પડકારોમાં સંસદની ભૂમિકાને રેખાંકિત કરી હતી. એમણે સમાવેશી અને પારદર્શી સંસદીય પ્રક્રિયાઓની આવશ્યકતા અંગે જણાવ્યું હતું અને સંસદને અધિક પ્રભાવી, પારદર્શી અને સમાવેશી બનાવવી જરૂરી ગણાવી સુશાસન અને સતત વિકાસને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી. બિરલાએ વસુધૈવ કુટુંબકમ્ના ઉલ્લેખ સાથે ગરીબી, અસમાનતા અને કુપોષણ જેવા મુદાઓ ઉપર એકબીજાના સહયોગની અપીલ કરી હતી.