રાજકોટ, તા. 12 : રાજકોટમાં
પ્રથમ વખત યોજાયેલી વાયબ્રન્ટ કચ્છ સૌરાષ્ટ્ર પ્રાદેશિક સમિટ દરમિયાન કુલ 5492 સમજૂતી
કરારો વડે આ પ્રદેશમાં રૂ. 5.78 લાખ કરોડનું રોકાણ કરવા માટેના
પ્રસ્તાવો મળ્યા હોવાની જાહેરાત કૃષિ અને ફિશરીઝ વિભાગના પ્રધાન જીતુ વાઘાણીએ કરી
હતી. સોમવારે સમિટનું સમાપન થયું ત્યારે તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ સમિટ 2003માં
યોજાઇ ત્યારે 80 એમઓયુમાં રૂ. 66 હજાર કરોડનું રોકાણ આવ્યું હતુ.
અત્યારે અનેક ગણું રોકાણ પ્રથમ પ્રાદેશિક સમિટમાં આવી ગયું છે. ક્યા ક્ષેત્રમાં
કેટલા એમઓયુ અને કેટલું રોકાણ આવ્યું છે તે અંગેની વિસ્તૃત વિગતો તેમણે આપી ન હતી.
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ``વાઇબ્રન્ટ
ગુજરાત રિજનલ કોન્ફરન્સ - કચ્છ અને સૌરાષ્ટ્ર'નું આજે સમાપન થયું છે. જોકે સંકુલમાં હજુ
એક્ઝિબિશન 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનું છે. તેમણેજણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં
સૌરાષ્ટ્ર અને કચ્છને વિકસિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નક્કર આયોજન
કરાયું છે. નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની
શરૂઆત કરી હતી, ત્યારે તેમને અનેક ટીકાઓનો સામનો કરવો પડયો હતો, પરંતુ
તેમના અડગ વિશ્વાસ અને વિઝનને કારણે આજે ગુજરાત અને ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યા
છે. તેમની હાજરીથી સમિટ વધુ આકર્ષક બની રહી. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ
જણાવ્યું હતું કે, `વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ
કોન્ફરન્સ' સૌરાષ્ટ્ર
કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બની છે. વિવિધ ઐતિહાસિક
કિસ્સાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કચ્છ અને
સૌરાષ્ટ્રના લોકોની નસેનસમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે. સૌરાષ્ટ્રના નાવિકો એક
સમયે દુનિયાના દરિયા પર રાજ કરતા હતા. રાજ્યના દરેક વિસ્તારમાં કોઈને કોઈ કૌશલ્ય
ભરેલું છે અને તેમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે. પોરબંદર, દ્વારકા
અને સોમનાથ બેલ્ટ દુનિયાનું સૌથી મોટું પ્રવાસન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે તે
બાબતનો ઉલ્લેખ કર્યો હતો. ઉદ્યોગ સચિવ મમતા વર્માએ કોન્ફરન્સને ગૌરવપૂર્ણ ક્ષણ
ગણાવતા કહ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં `સ્કેલ
અને સ્કીલ'ના
સમન્વય સાથે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. બીટુબી,
બીટુજી, રિવર્સ બાયર્સ સેલર્સ મિટ, 50થી વધુ
સેમિનાર સહિતના આયોજન થકી યુવા પેઢીને પણ નવી દિશા મળી છે. સમાપન સમારોહમાં
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા,
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, જિલ્લા
પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન
શાહ, ધારાસભ્ય
રમેશભાઈ ટીલાળા, એલ. એન્ડ ટી.ના સી.ઈ.ઓ. સિદ્ધાર્થ
ગુપ્તા, જીતુભાઈ ચંદારાણા, ચેમ્બરના
વી. પી.વૈષ્ણવ સહિતના અગ્રણીઓ હાજર હતા.