નવી દિલ્હી, તા. 12 : જર્મની
જવા ઈચ્છતા ભારતીયો માટે સારા સમાચાર મળ્યા હતા. પદ સંભાળ્યા બાદ જર્મન ચાન્સેલર
ફ્રેડરિક મર્ઝની પહેલી વહેલી ભારત મુલાકાત દરમ્યાન જર્મનીએ ભારતીય પાસપોર્ટધારકો
માટે પોતાના એરપોર્ટ પરથી વિઝામુક્ત ટ્રાન્ઝિટ સુવિધા શરૂ કરવાના મોટા ફેંસલાનું
એલાન કર્યું હતું. આ નવી સુવિધા મળતાં ભારતીય યાત્રીઓને જર્મનીના હવાઈમથક પરથી
પસાર થવા માટે અલગથી ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં પડે. આ પગલાંથી આંતરરાષ્ટ્રીય
યાત્રા વધારે સરળ અને ઝડપી બની જશે. સાથોસાથ ભારત અને જર્મની વચ્ચે આપસી સંબંધ અને
પ્રવાસનને પણ પીઠબળ મળશે. બંને દેશના સંયુક્ત નિવેદનમાં આ મહત્ત્વની ઘોષણા સોમવારે
કરાઈ હતી.