નવી દિલ્હી, તા. 17 : ભારતીય
સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બસ 88 કલાકનું
ટ્રેલર હતું. ફિલ્મ તો હજુ શરૂ પણ થઇ નથી. ભારતીય જવાનોને વધાવતાં તેમણે કહ્યું
હતું કે, પાકિસ્તાન
મોકો આપશે તો અમે એ બતાવવામાં પાછળ નહીં હટીએ કે જવાબદાર દેશ પાડોશીઓ સામે કેવી
રીતે વર્તી શકે છે. દિલ્હીમાં ચાણક્ય ડિફેન્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં
સેના વડા બોલ્યા હતા કે, ભારત પ્રગતિની વાત કરે છે એટલે જ જે
લોકો આતંક ફેલાવે છે, તેમને રોકવા આકરાં પગલાં લેવા બેહદ
જરૂરી છે. ભારતીય સેના ભવિષ્યને જમીન સાથે જોડીને જુએ છે. પહેલાં યુદ્ધોમાં ફેંસલા
લેવામાં દિવસો લાગી જતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલી ગઇ છે.
આજે યુદ્ધ 48 કલાકમાં પણ લડવું
પડે તો દેશની પૂરી તાકાત એકસાથે લગાડી દેવી પડશે. અસલ તાકાત એ જ છે કે, દુશ્મનને વિશ્વાસ હોય કે
કોઇ પણ ભૂલ કરશું તો ભારત તરત કાર્યવાહી કરશે, તેવું જનરલ
દ્વિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારતની
સંરક્ષણ ક્ષમતા એ હદે શક્તિશાળી થઇ ગઇ છે કે, દુશ્મન દેશો
અમારા ઇરાદાને ગંભીરતાથી લેવા મંડયા છે. ઓક્ટોબર - 2024થી અત્યાર
સુધીમાં ભારત-ચીનના સંબંધોમાં ઘણો બદલાવ આવ્યો છે. બંને દેશ સમજી ગયા છે કે, સામાન્ય સ્થિતિ બહાલ
કરવામાં જ લાભ છે. આજે સામાન્ય નાગરિકો આવા દેશમાં ફરવા જાય છે. બહારના લોકો પણ
જમ્મુ-કાશ્મીર આવવા લાગે છે, તેવું સેના વડાએ જણાવ્યું હતું.
જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, દેશની સેના 10 વર્ષના
મોટા બદલાવો પર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, આજે યુદ્ધ માત્ર જમીન,
સમુદ્ર, હવા સુધી જ સીમિત નથી. હવે તો સાયબર
અને અવકાશ સુધી યુદ્ધો વિસ્તર્યા છે.