• બુધવાર, 19 નવેમ્બર, 2025

ગુરુવારે નવી નીતીશ સરકાર

પટણા, તા. 17 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ જોડાણના ઐતિહાસિક વિજય બાદ હવે 20મી નવેમ્બરના ગુરુવારે નવી સરકાર શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે નીતીશકુમાર 10મી વાર મુખ્યમંત્રી પદે શપથ લેશે. નવી સરકાર રચવાની કવાયત વચ્ચે સોમવારે નીતીશે રાજ્યપાલ આરિફમોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. રાજીનામાં સાથે પત્રમાં 19મી નવેમ્બરના દિવસે વિધાનસભા ભંગ કરાશે, તેવી જાણકારી અપાઈ હતી. એ પહેલાં  આજે છેલ્લી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંગનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. એ સિવાય જેડી-યુ વિધાનસભા પક્ષની બેઠક થઈ હતી. આવતીકાલે મંગળવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે. ત્યારબાદ મંગળવારે જ થનારી એનડીએની બેઠકમાં વિધાનસભા પક્ષના નેતા ચૂંટાશે અને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરી દેવાશે. ગાંધી મેદાનમાં ગુરુવારે નીતીશ શપથ લેશે. કેન્દ્રીયમંત્રી જિતનરામ માંઝીએ જાણકારી આપી હતી કે, નવી કેબિનેટમાં 36 મંત્રી હશે, જેમાંથી 16 ભાજપના, 15 જેડી-યુના, ત્રણ લોજપા, એક - એક મંત્રી હમ અને આરએલએસપીમાંથી હશે. ગાંધી મેદાન પર શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વર્તમાન નીતીશ સરકારનો કાર્યકાળ 22મી નવેમ્બરના દિવસે પૂરો થાય છે, એ જોતાં એ દિવસથી પહેલાં કોઈ પણ સંજોગોમાં નવી સરકારની રચના જરૂરી છે.

Panchang

dd