નવી દિલ્હી, તા. 17 : અમેરિકાએ
ભારતના ચા-કોફી, ફળો, મસાલા, ફળોના જ્યૂસ જેવા
ઉત્પાદનો પર લાદેલો 50 ટકા ટેરિફ પાછો ખેંચી લીધો છે. આ
પગલાંથી ભારતને એક અબજ ડોલર એટલે કે,
નવ હજાર કરોડ રૂપિયાની કૃષિ નિકાસમાં મોટી રાહત મળશે. વાત જાણે કંઈક
એવી છે કે, ખાવા-પીવાની ચીજોના ભાવોમાં સતત વધારો થવાનાં
કારણે ટ્રમ્પ પ્રશાસનને પીછેહઠ કરવી પડી છે. વર્ષ-2025માં
ભારત અમેરિકાને કૃષિ નિકાસ 2.5 અબજ ડોલર એટલે કે, 22 હજાર કરોડ રૂપિયાની હતી, જેમાંથી હવે નવ હજાર
કરોડ રૂપિયાની નિકાસ વેરામુક્ત થઈ ચૂકી છે.
અમેરિકાના વાણિજ્ય મંત્રાલયએ આ મહત્ત્વના નિર્ણય અંગે જાણકારી આપી હતી.
વિદેશી વેપાર વિભાગના મહાનિર્દેશકના કાર્યાલયે કહ્યું હતું કે, આ પહેલથી ભારતના નિકાસકારોને એકસમાન અવસર મળશે. ખાસ જાણવા અને સમજવા જેવી
વાત એ છે કે, રુસી તેલ ખરીદીના ખારમાં ભારત પર ટેરિફ ઝિંકનાર
અમેરિકા જેવા સંપન્ન દેશને પણ મોંઘવારીનો માર પડતાં મૂંઝવણમાં મુકાઈ જવું પડયું
છે. અમેરિકાએ ભારતની એવી બનાવટો પરથી ટેરિફ હટાવી દીધો છે, જેનું
ઉત્પાદન ત્યાં ઓછું થઈ રહ્યંy છે. અમેરિકી વાણિજ્ય મંત્રાલયના
જણાવ્યાનુસાર મસાલાનું નિકાસમૂલ્ય લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા જેટલું થઈ જાય છે. એ
જ રીતે 50 પ્રોસેસ્ડ ખાદ્ય બનાવટોની નિકાસ કિંમત 4345 કરોડ
અને ચા-કોફીની નિકાસ કિંમત 731 કરોડ રૂપિયા જેટલી થાય છે. આમ આ
તમામ કૃષિપેદાશો, ઉત્પાદનોની અમેરિકાને નિકાસ કરતી વેળા ભારતને રાહત મળશે. ફળો અને નટ્સના 48 ઉત્પાદનોની
નિકાસ કિંમત 484 કરોડ થાય છે. સાથોસાથ 26 પ્રકારના
શાકભાજી, અન્ય
ખાદ્ય વસ્તુઓ પર પણ વેરામુક્તિ મળશે. દરમ્યાન ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે
જણાવ્યું હતું કે, અમેરિકાની ભારતીય બજારમાં પહોંચની માંગ 25 ટકા
રેસિપ્રોકલ ટેરિફ તેમજ કાચા તેલ પર 25 ટકા ડયૂટી જેવા મુદ્દાઓ પર સહમતી
લગભગ સધાઈ ચૂકી છે. આમ, ભારત અને અમેરિકા વચ્ચે વેપારસંધિ લગભગ અંતિમ ચરણમાં છે, તેવો વિશ્વાસ ભારતીય વાણિજ્ય સચિવે વ્યક્ત કર્યો હતો. ટેરિફ વાપસીનું
ટ્રમ્પનું વલણ બતાવે છે કે, વેપારના મોરચે અમેરિકાને ભારત
વગર ચાલવાનું નથી.