• સોમવાર, 22 જુલાઈ, 2024

આદિપુરમાં પરિવાર લગ્નની ખરીદી કરવા બહાર ગયો ને તસ્કરોએ 9.19 લાખનો હાથ માર્યો

ગાંધીધામ, તા. 6 : આદિપુરના વોર્ડ-3એ પ્લોટ નંબર 317માં રહેનાર પરિવાર દીકરીનાં લગ્નપ્રસંગની ખરીદી કરવા માટે અમદાવાદ ગયો હતો ને પાછળથી તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજા તોડી તેમાંથી માતબર રકમનો હાથ માર્યો હતો. આ બંધ મકાનમાં ઘૂસી તસ્કરોએ સોનાં, ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂા. 9,19,000ની મતાની ચોરી કરી હતી. ચોરીના આ બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરના વોર્ડ-3એ, પ્લોટ નંબર 317, હાઉસ નંબર-3માં રહેતા ચંદુલાલ ઠાકરશી સોનાસર (ઠક્કર)એ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદીના બે મોટા દીકરા પરિણીત છે. તેમના નાની દીકરી અંજલિના આગામી જાન્યુઆરી મહિનામાં લગ્ન થવાનાં છે. લગ્નની તૈયારી કરનાર આ પરિવાર ખરીદી કરવા માટે ગત તા. 22/11ના અમદાવાદ જવા નીકળ્યો હતો. નિવૃત્ત એવા ફરિયાદી તથા તેમના પત્ની, બે પુત્ર, બે પુત્રવધૂ અને દીકરી અમદાવાદ પહોંચી ખરીદી પતાવી દીધી હતી અને તા. 27/11ના તેમના પુત્ર ચિરાગ અને પુત્રવધૂ રિમ્પલ પરત ઘરે આવવા નીકળ્યા હતા. આ દંપતી તા. 28/11ના આદિપુર પોતાના ઘરે પહોંચતાં તેમનાં ઘરનાં તાળાં તૂટેલાં તથા રસોડાનો દરવાજો ખુલ્લો હોવાનું બહાર આવ્યું હતું. ઘરમા ઉપર તથા નીચેના રૂમનો તમામ સરસામાન વેરવિખેર જણાયો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ બંધ મકાનનો દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને ઉપરના તથા નીચેના રૂમમાં અને મંદિરમાંથી તેમજ કબાટના ખાના તોડી તેમાંથી 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ, 50 ગ્રામના સોનાના હાથના બે કડા, 6 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, 4 ગ્રામની કાનમાં પહેરવાની સોનાની બુટી, 12 ગ્રામના સોનાના પેન્ડલ સહિતના નાના બે હાર, 8 ગ્રામની સોનાની બુટી જોડ નંગ-બે, 35 ગ્રામની લેડીસ તથા જેન્ટ્સની સોનાની બે ચેઈન, લેડીસ-જેન્ટ્સની 15 ગ્રામની સોનાની નાની-મોટી પાંચ વીંટી, 10 ગ્રામની સોનાની બાલી, 10 ગ્રામ સોનાનું એક મોટું મંગળસૂત્ર, પાંચ ગ્રામની સોનાની બુટી, પાંચ ગ્રામના સોનાના હાથના નજરિયા, 25 ગ્રામની જેન્ટ્સની સોનાની પોંચી, 30 ગ્રામનો સોનાનો મોટો જડતરનો હાર, 10 ગ્રામની સોનાની બુટી, બે ગ્રામની સોનાની બે બાલી, 200 ગ્રામના ચાંદીના સાંકળા જોડી-નંગ બે, 80 ગ્રામના ચાંદીના નાના સાંકળા, 70 ગ્રામની ચાંદીની વીંટી નંગ-4, 50 ગ્રામનો ચાંદીનો જુડો, 50 ગ્રામનો ચાંદીનો કાનનો સેટ, 300 ગ્રામના ચાંદીના નાના -મોટા સિક્કા નંગ-30, ચાંદીની વાટકી, ચમચી, પાંચધાતુની જલારામ બાપાની મૂર્તિ, જેન્ટ્સ તથા લેડીસના 15 કાંડા ઘડિયાળ અને પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, એક્ટિવાની ચાવી, લેપટોપ  બેગ તથા રોકડ રૂા. 80,000 એમ કુલ રૂા. 9,19,000ની મતાનો હાથ માર્યો હતો. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેફામ બન્યા છે. આવા તત્ત્વોએ પૂર્વ કચ્છમાં રીતસરનો તરખાટ મચાવ્યો છે. બીજીબાજુ પોલીસની જોઈએ તેવી શોધનની કામગીરી થતી નથી. ચોરી, ચીલઝડપના વધતા જતા ગ્રાફ વચ્ચે ઠંડીની ઋતુ આવતાં આ ગ્રાફ હજુ ઊંચો જવાની શક્યતા દર્શાવાઈ રહી છે. ત્યારે આવા તત્ત્વોને પકડી પાડવા અને આવા બનાવો ન બને તે માટે પેટ્રોલિંગ સહિતની કામગીરી વધારવા લોકોમાં પ્રબળ માંગ ઊઠી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang