• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ત્રગડી પાસે દરિયાકિનારેથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળતાં ચકચાર

ભુજ, તા. 30 : મુંદરા તાલુકાના કુતડીનાર બંદર અને ત્રગડી બંદર વચ્ચે દરિયાકિનારેથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. મુંદરાના ત્રગડી પાસેના દરિયાકિનારેથી ગઈકાલે અંદાજે 30થી 35 વર્ષના યુવાનની કોહવાયેલી લાશ મળી હતી. આ યુવાને આછા બ્લૂ, લાલ તથા સફેદ ડિઝાઈનવાળું ટી-શર્ટ અને ડાર્ક બ્લૂ કલરની નાઈટ પેન્ટ પહેરેલી છે. શરીરની ચામડી પાણીમાં ઓગળી ગયેલી હાલતમાં તથા ખોપડીનાં હાડકા દેખાય છે. ડાબા હાથની કલાઈના અલ્ના બોન હાડકાને જોડવા માટે સ્ટીલની પ્લેટ બેસાડેલી છે. જમણા હાથના કાંડામાં બે રાખડી બાંધેલી છે. એક રાખડી લાલ કલરના દોરામાં સોનેરી ડિઝાઈનવાળા મોતીઓથી જડેલી અને બીજી રાખડીમાં બે ત્રિશૂલના ચિહ્નો વચ્ચે મા લખેલું છે. લાશની ઊંચાઈ પાંચ ફૂટ સાત ઈંચ છે. મોતનું કારણ હાલ સામે આવ્યું નથી. મુંદરા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીઆઈ ડી.એમ. ઝાલાએ હાથ ધરી છે. આ અજાણ્યા યુવાનની ઓળખ જાણવા પોલીસે છાનબીન આદરી છે. કોઈ પણ યુવાનને જાણતા હોય તો મુંદરા મરીન પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Panchang

dd