ભુજ, તા. 28 : મુંદરાના બારોઈ વિસ્તારમાં તાજેતરમાં સવા કરોડની કિંમતી જમીન પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું, પરંતુ દબાણકારોએ આ જમીનના નગરપાલિકામાં આકારણી નંબર મેળવી લીધા હતા, એટલું જ નહીં ડી.એસ.આર.ની માપણી સીટમાં પણ જમીન બેસાડી દેવામાં આવી હોવાથી આ કૌભાંડમાં ખરેખર કોનો હાથ છે તે તપાસમાં બહાર આવ્યું નથી. બારોઈ વિસ્તારમાં ત્રણ વાડા બનાવી 2500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ચેતન મિશણનાં માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે રૂા. 1.25 કરોડની કિંમતી જમીન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તે વખતે મુંદરાના વહીવટી તંત્રે પણ જણાવ્યું હતું કે, આ જમીન આકારણી રજિસ્ટરમાં ખોટી રીતે નંબર ચડાવવામાં આવ્યા હતા અને ડી.એસ.આર.ની માપણી સીટમાં પણ ખોટી રીતે બેસાડવામાં આવી હતી. એનો મતલબ એ છે કે, ડી.એસ.આર.ની ટીમ પણ આ દબાણમાં સામેલ હોઈ શકે. જો કે, સુપ્રિ. શ્રી રબારીને જ્યારે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમારો અભિપ્રાય મેળવવામાં આવ્યો ત્યારે અમે દબાણ હોવાનું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. જ્યારે આ એક પ્રકારનું જમીન કૌભાંડ હોવાનું જિલ્લા પંચાયતના માજી સભ્ય સલીમ જતે જણાવીને કહ્યું કે, તંત્રની ઢીલી નીતિનાં કારણે કિંમતી જમીનો પચાવી પાડવાનો મુંદરામાં કારસો ચાલી રહ્યો છે. આ તો માત્ર ત્રણ વાડા હટાવવામાં આવ્યા છે, પરંતુ શ્રી જતે યાદીમાં ફરિયાદ કરી હતી કે, 87 મિલકત ખોટા આધાર -પુરાવા ઊભા કરી આકારણીમાં નોંધી દેવામાં આવી છે. જેના ખોટા દસ્તાવેજ પણ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 46 દસ્તાવેજ બની ચૂકયા છે. જો તટસ્થ તપાસ થાય તો મોટું જમીન કૌભાંડ બહાર આવે તેમ હોવાનું જણાવી દબાણકારો અને સરકારી તંત્રના કર્મચારીઓની સાઠગાંઠ પણ બહાર આવે તેમ છે. તેમ છતાં ગંભીરતાપૂર્વકનાં પગલાં લેવામાં આવ્યાં નથી એવું તેમણે જણાવ્યું હતું.