ભુજ, તા. 16 : અબડાસા તાલુકાના ભાનાડા વિસ્તારમાં
આવેલા એરફોર્સમાં ફરજ બજાવતા 27 વર્ષીય જવાન
ભરતરાજ ભોમપ્રકાશ ભારદ્વાજ પોતાની સર્વિસ રાઈફલથી જાતે ફાયારિંગ કરી આત્મહત્યા કરી
લેતાં ચકચાર મચી હતી. કોઠારા પોલીસ મથકમાંથી
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ હરિયાણાના અને ભાનાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતરાજ
નામનો જવાન બુધવારે સાંજે પોતાની ગાર્ડની ફરજમાં હતો, ત્યારે કોઈ અગમ્ય કારણે પોતાના પાસે રહેલી એ.કે.
103 રાઈફલથી પોતાની ગરદનથી માથા
સુધી ફાયારિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે એરફોર્સના
અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને બનાવ સ્થળે જ ટેકનિકલ એરિયામાં
પાર્કિંગમાં પોતાની બાઈક પાસે રાઈફલથી ફાયરિંગ કરેલી હાલતમાં ગરદનથી માથાના ભાગે લાગેલી
ગોળીથી લોહીલુહાણ હાલતમાં ભરતરાજ પડયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ
ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. ઘટનાનાં પગલે સમગ્ર એરફોર્સ મથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. કોઠારા પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.