• શનિવાર, 27 જૂન, 2026

ઓવરલોડની ચોરી ઉપરાંત સીનાજોરી છતાં તંત્ર મૌન

ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 26 : સર્વોચ્ચ અદાલતે આપેલા કડક પાબંધીના આદેશને લાંબા સમયથી ધરાર ઘોળીને પી જઇ `ઓવરલોડ'ની ગાડી ધમધોકાર અવિરતપણે દોડી રહી છે. તેની પાછળ મીઠી નજર હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. બે-ત્રણ દિવસે પૂર્વે જ કચ્છનાં પ્રવેશદ્વાર સૂરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ બબાલ કરતાં કલાકો સુધી ટ્રાફિક અવરોધતાં હજારો વાહનચાલક અટવાયા હતા. આ તો `ચોરી અને ઉપરથી સીનાજોરી' જેવા તાલમાં પોલીસ કે આરટીઓએ પણ અતિરીક્ત ભાર કરનારાઓ સામે કોઇ દંડનીય કાર્યવાહી નહીં કરતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. ઓવરલોડ વાહનોના કારણે કચ્છમાં થઇ રહેલા જીવલેણ નાના-મોટા અકસ્માતો અને ગ્રામ્ય વિસ્તારના રસ્તા તૂટવા-જર્જરિત થવા જેવી ફરિયાદો સાંભળવાનો અત્યારે જાણે કોઇને સમય જ નથી. ઘણીવાર આવા પૂરપાટ દોડતાં વાહનો પર તંત્રે `બ્રેક' નહીં મારતાં લોકો રોષે ભરાઇ માર્ગ પર ઉતરી આવ્યાનાય બનાવો સમયાંતરે સામે આવતા જ રહે છે. ઘણા લાંબા જ સમયથી આ સંલગ્ન તંત્રોની નીતિ પણ ઉપરનું મળે તેટલું લઇ લેવાની રહેતી આવતી હોવાથી ઓવરલોડનું દૂષણ કાબૂમાં આવવાનું નામ જ લેતું નથી તેવી ફરિયાદ ઊઠી છે. નાના વાહનચાલકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કેવિકાસની હરણફાળ ભરતા કચ્છમાં ઔદ્યોગિકરણના કારણે ભારે વાહનોની વધેલી અવર-જવર થકી ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. વિવિધ ટોલપ્લાઝા પર બ્રે-બિઝ પર ગોઠવાયેલા છે, જેમાં ઓવરલોડ જણાતા વધારાનો ટોલ ટેક્સ ટોલપ્લાઝા દ્વારા વસૂલાય છે. આમ, વધારાનો ટોલ ફ્રી ચૂકવીને ઓવરલોડની છૂટ મળી હોય તેવું સ્પષ્ટ જણાય છે. લોકો સવાલો પૂછી રહ્યા છે કે, ઓવરલોડ જણાતાં આરટીઓ કે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઇ કાર્યવાહી નથી થતી અને થાય છે તો પણ આંગળીના વેઢે ઘણી શકાય. તેટલી જ હોય છે. હાલમાં જ આવી જ ઓવરલોડની દંડની કાર્યવાહીના આંકડા આરટીઓ પાસે માગતા ડીઝલની કટોકટીને લઇ પરિવહન ઘટતા કાર્યવાહી ઘટી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે. મંગળવારે સવારે સૂરજબારી ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકોએ વધારાના ટોલ ટેકસ સામે વાંધો ઊઠાવીને ટોલ કર્મચારીઓ સાથે  બબાલ સર્જી હતી અને વાહનો ખડકી દીધાં હતાં, જેના લીધે કલાકો સુધી ટ્રાફિક અવરોધાયો હતો. પોલીસની દરમ્યાનગીરી બાદ મામલો થાળે પડયાની માહિતી પ્રાપ્ત થઇ હતી. આમ આ તો `ચોરી ઉપર સીનાજોરી' જેવી વાત હોવાનું લોકો કહી રહ્યા છે. બીજી તરફ પોલીસ કે આરટીઓએ આવા ઓવરલોડ વાહનો અંગે શા માટે હાથ બાંધી લીધા છે. તેવી પણ ચર્ચા સાંભળવા મળે છે. 

Panchang

dd