ભુજ, તા. 29 : પાંચ વર્ષ પૂર્વેના ચકચારી
મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ કર્મચારીઓ સહિત 10 આરોપીની અટક કરવામાં આવી છે.
આ કેસના આરોપી સમાઘોઘાના માજી સરપંચ જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની પણ અટક કરવામાં
આવી છે. તેઓ વર્ષ 2021થી જ્યુડિશીયલ
કસ્ટડી પાલારા જેલમાં છે. તેમણે નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી પડતર
છે. કેસ ચાલે તે દરમ્યાન વચગાળાના જામીન પર મુક્ત થવા તેમણે સુપ્રીમ કોર્ટમાં માગણી
કરતાં સુપ્રીમ કોર્ટે કાગળો જોઇ રજૂઆત સાંભળીને જામીન અરજી રદ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં
સરકાર તરફે એડવોકેટ કુ. સ્વાતિ ધીલદયાલ, કુ. નેહાસિંઘ હાજર રહ્યા હતા. - પત્રી ખૂન કેસના ફરિયાદીને માર મારવા, અપહરણના આરોપીઓના જામીન નામંજૂર : આ કેસની ટૂંક
વિગતો મુજબ પત્રીના વેજીબેન વાલજી ચાડ તેના પુત્ર નંદવીર, તેના પતિ વાલજી કરશન ચાડ વિગેરે આરોપીઓએ સાથે
મળી ફરિયાદી રઘુવીરસિંહ દિલીપસિંહ જાડેજાના ભાઇ પૃથ્વીરાજસિંહનું ખૂન કર્યાની ફરિયાદ
તા. 28/10/2023ના નોંધાવાઇ હતી, જેમાં નવ આરોપીની અટક કરવામાં આવી હતી. આ કેસમાં
વેજીબેન તથા નંદવીર જામીન પર મુક્ત થયા હતા. તા. 12/4/26ના પત્રીમાં ફરિયાદી રઘુવીરસિંહ
સાથે વેજીબેને ઝઘડો કરી પુત્ર નંદવીરને બોલાવતાં નંદવીરે સ્કોર્પિયો ગાડીથી આવી માર
મારી ગાડીમાં નાખી અપહરણ કરી લઇ જઇ કૂતરાથી બચકા ભરાવી ઇજા પહોંચાડીને આરોપીઓએ ખૂન
કેસ પાછો ખેંચવા ઝઘડો કર્યાની ફરિયાદી રઘુવીરસિંહે આરોપી વેજીબેન, નંદવીર
તથા મુકેશ જેઠાભાઇ ડાંગર સામે નોંધાવી હતી. પ્રાગપર પોલીસે ત્રણની અટક કરી મુંદરા કોર્ટમાં
રજૂ કર્યા હતા. મુંદરા કોર્ટે જામીન નામંજૂર કરતાં ત્રણે આરોપીએ ભુજની અધિક સેશન્સ
કોર્ટમાં નિયમિત જામીનની અરજી કરવા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તથા ગુનાની ગંભીરતા ધ્યાને
લઇ વેજીબેન અને નંદવીરના જામીન નામંજૂર કર્યા હતા. ફરિયાદ પક્ષે સરકાર તરફે એડવોકેટ
સુરેશ એ. મહેશ્વરી તથા મૂળ ફરિયાદી તરફે સિનિયર એડવોકેટ ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે.
ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહી વાંધા નોંધાવ્યા હતા. - ભુજના હત્યા કેસમાં એક આરોપીના
શરતી જામીન મંજૂર : ભુજના હોસ્પિટલ
રોડ મધ્યે ગત તા. 13/3/26ના
મિત્રને ત્રણ શખ્સે માર મારતા હતા, ત્યારે તેમને છોડાવા વચ્ચે પડતા ધર્મેશ મનસુખ પરમારને પેટના ભાગે છરી લાગતાં
સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ સંબંધે ચાર આરોપી સામે હત્યાનો ગુનો દાખલ
થયો હતો. આ કેસના આરોપી શક્તિસિંહ ઘનશ્યામસિંહ પરમારે જામીન અરજી કરતાં છઠ્ઠા અધિક
સેશન્સ જજે શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટમાં શક્તિસિંહ તરફથી એડવોકેટ તરીકે રામ
એમ. ગઢવી, વિષ્ણુ એ. ગોહિલ, મહેન્દ્ર કે.
ત્રિવેદી, રાજેન્દ્રસિંહ એમ. ઝાલા, રવિરાજસિંહ
એમ. ભાટી હાજર રહ્યા હતા.