ગાંધીધામ, તા. 29 : ભચાઉ તાલુકાના લલિયાણામાંથી
પસાર થતી ખાવડા-હળવદ વીજલાઇનમાંથી ચાર અજાણ્યા શખ્સે રૂા. 1,46,000ના એલ્યુમિનિયમ કન્ડક્ટરની
તફડંચી કરી હતી. ખાવડાથી નીકળતી અદાણીની વીજલાઇન હળવદ જાય છે, જેનું લલિયાણાની સીમમાં કામ ચાલી રહ્યું છે.
અહીં જ્યોતિ સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના કામદારો કામ કરે છે અને ચોકીદારી કરે છે. ગત
તા. 23-4ના બે ચોકીદારને ઊંઘ આવી જતાં
બંને સુઇ ગયા હતા દરમ્યાન મોડી રાત્રે નંબર પ્લેટ વગરની બોલેરો લઇને ચાર નિશાચર અહીં
ત્રાટકયા હતા અને 36 લાઇનમાંથી
12 લાઇન એલ્યુમિનિયમ કન્ડક્ટર
1100 કિલો કિંમત રૂા. 1,43,000 કાપી બોલેરોમાં નાખી દીધા હતા.
તેવામાં વહેલી પરોઢે બંને ચોકીદાર જાગી જતાં અને આ નિશાચરોને પડકારતા ચારેય શખ્સ નાસી
ગયા હતા. બનાવ અંગે જ્યોતિ સ્ટ્રક્ચર કંપનીના રાજનકુમાર રામજી શર્માએ સામખિયાળી પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી.