• બુધવાર, 08 એપ્રિલ, 2026

ભચાઉ નજીક ગાંજાના છોડનું વાવેતર કરનાર મહંતની અટક

ગાંધીધામ, તા. 7 : ભચાઉ નજીક ગાંધીધામ જતા ધોરીમાર્ગ પાસે પ્રગટ પહાડી હનુમાન મંદિરના મહંત ગાંજાના છોડનું વાવેતર કરતા ઝડપાયા હતા. આ મંહત પાસેથી રૂા. 3,55,500ના નાના-મોટા પ9 છોડ તથા 310 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. ભચાઉથી ત્રણેક કિ.મી. દૂર ગાંધીધામ બાજુના ધોરીમાર્ગ નજીક આઈમાતા હોટેલ પાસે આવેલા પ્રગટ હનુમાન મંદિરના મહંત લખનગિરિ મુનશીલાલ (રહે. મૂળ ફિરોઝાબાદ - ઉત્તરપ્રદેશ)એ મંદિરના પ્રાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની સચોટ  બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સને સાથે રાખી મંદિરના પ્રાંગણમાં આવેલી બે ઓરડીની તપાસ કરાતાં તેમાંથી પ્લાસ્ટિકની ત્રણ કોથડી મળી હતી, જેમાંથી 310 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. બાદમાં ઓરડીઓ પાછળ તપાસ કરાતાં 30 બાય 40 ફૂટવાળી જગ્યામાં આશરે એકથી છ ફૂટના પ9 છોડ મળી આવ્યા હતા, જે ગાંજાના હોવાનું આ મહંતે જણાવ્યું હતું. દરમ્યાન પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઈ કરાવતાં સૂકો પદાર્થ ગાંજો હોવાનું તથા છોડમાં પણ કેનાસીસના સક્રિય ઘટકો હોવાથી તે પણ ગાંજો જ હોવાનું પ્રાથમિક પરીક્ષણમાં જણાવાયું હતું. આ મંહત પાસેથી જમીનના આધાર-પુરાવા મગાતાં તે તેની પાસે નહોતા તથા વીજરેષામાં લંગર નાખીને વીજળી મેળવાતી હોવાનું તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી પોતે અહીં જ રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આ મહંતે ગાંજાના છોડ પોતાના માટે વાવ્યા હતા કે ગ્રાહકોને વેચતો હતો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd