ભુજ, તા. 21 : સગીર વયની કન્યાના અપહરણ-દુષ્કર્મના
2021ના ચકચારી કેસમાં મૂળ પંચમહાલના
આરોપી ઈશ્વર ઉર્ફે અજય દીપસિંહ નાયકાને ખાસ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા રૂા. બે
લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. તા. 16-11-2021ના આ કેસમાં આરોપી ઈશ્વરે મુંદરા તાલુકાના એક ગામની સગીરાને
લલચાવી-ફોસલાવી પોતાની સાથે ચાલવા કહ્યું હતું અને જો તેમ નહીં કરે તો દવા પીને મરી
જવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે જ દિવસે આરોપીએ ભોગ બનનારી બાળકીને જૂનાગઢ બાજુ જઈને
ખેતીકામ કરીશું તેમ જણાવી બાળકીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી છકડામાં બેસાડી ભુજ લઈ ગયો
હતો. ભુજ પહોંચ્યા બાદ ઈશ્વર પીડિતાને લઈ બસમાં બેસાડી જૂનાગઢ પહોંચ્યો હતો, જ્યાં તે પોતાના મિત્રની વાડીમાં બે દિવસ રોકાવી
સગીરા સાથે બદકામ કર્યું હતું. આ કેસમાં ભુજની ખાસ પોક્સો કોર્ટના જજ વી.એ. બુદ્ધે
21 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા
તથા 7 સાક્ષીના નિવેદન લીધા હતા, જેમાં આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂા.
બે લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપી આ રકમ ભોગ બનનારી પીડિતાને વળતર પેટે
ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે પોક્સો કેસો માટે ખાસ નિયુક્ત સરકારી
વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.