ગાંધીધામ, તા. 3 : શહેરના
ડી.સી.-2 રાજસ્થાન નમકીન દુકાનની નજીકથી
પસાર થતી કારને રોકાવી પોલીસે તેમાંથી રૂા. 3,33,090નો
શરાબ જપ્ત કર્યો હતો અને બે શખ્સની ધરપકડ કરી હતી, પરંતુ દારૂ ક્યાં
જતો હતો વગેરે બાબતો ગુપ્ત રહી હતી. શહેરના ડી.સી.-2 પાસે આવેલ હોટેલ એમ્પાયર બાજુ એક કાર આવી રહી છે, તેમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. કાર નંબર જીજ-12-એફબી-3752વાળી
આવતાં પોલીસે ખાનગી વાહનથી આડશ ઊભી કરી કારને રોકાવી હતી. કારમાંથી દારૂ નીકળતાં રાજસ્થાનના
બાડમેરના રાજુરામ કાલુરામ બિશ્નોઇ તથા હનુમાનરામ શ્રીરામ બિશ્નોઇ નામના શખ્સોને પોલસે
પકડી પાડયા હતા. આ વાહનમાંથી મેજીક મોમેન્ટ્સ ગ્રેપરફ્રૂટ એન્ડ વોટરમેલન ફ્લેવર 750 એમ.એલ.ની 96, મેજીક
મોમેન્ટ્સ ગ્રીન એપલ ફ્લેવર 750 એમ.એલ.ની
48, ગ્રીન લેબલ એક્સપોર્ટની 750 એમ.એલ.ની 108, બ્લેક
બાય બકાર્ડી 750 એમ.એલ.ની 12, ઓલ્ડ મોન્ક બ્લેન્ડેડ વીથ 20 યર્સ ઓલ્ડ રમ 750 એમ.એલ.ની
24, આઇકોનિક કયુ વાઇટ 750 એમ.એલ.ની
24, એનીટાઇમ 750 મિ.લિ.
28, કેલેન્ડર પ્રીમિયમ 750 એમ.એલ.ની
12 બોટલ, બ્લેક બેક થ્રી એક્સ રમ 180 એમ.એલ.ના 240 ક્વાર્ટરિયા, ગ્રીન લેબલ 375 મિ.લિ.ના
120 ક્વાર્ટરિયા, ઓફિસર્સ ચોઇસ 375 એમ.એલ.ના 92 ક્વાર્ટરિયા
તથા બ્લેક ફોર્ટ બિયરના 86 ટીન
એમ કુલ રૂા. 3,33,090નો અંગ્રેજી
શરબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સો ક્યાંથી ? કોની પાસેથી દારૂ લઇ આવ્યા હતા ? અને સ્થાનિકે કોણે મગાવ્યો
હતો ? તથા કોને અપાવનો હતો ? તે સહિતની
વિગતો ગુપ્ત રહી હતી. હોટેલ એમ્પાયરની આગળ-પાછળ અંગ્રેજી દારૂના પોઇન્ટના કારણે અહીં
સાંજે પિયક્કડોની ભીડ જમા થતી હોય છે, જેના કારણે આસપાસની હોસ્પિટલો, રહેણાક વિસ્તારના લોકો પરેશાન થાય છે તથા સાંજે અહીંથી મહિલાઓને નીકળવું દુષ્કર
થઈ પડતું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.