ભુજ/ગાંધીધામ, તા. 8 : ગઇકાલે સાંજે બાઇકથી નોકરીથી પરત ફરી
રહેલા ઝીંકડીના 47 વર્ષીય આધેડ કરમણભાઇ નારણભાઇ ખાસા (આહીર)ને ઇસુઝુ ગાડીએ અકસ્માત
સર્જતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મુંદરાના ધ્રબમાં ટ્રેઇલરનાં ચાલુ ડ્રાઇવિંગ
દરમ્યાન 36 વર્ષીય ચાલક સુબોધરાય ઉમેશરાયને આવેલો હૃદયરોગનો હુમલો તેમના માટે પ્રાણઘાતક
નીવડયો હતો. જ્યારે ગાંધીધામના સેક્ટર-4 વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવક જગદીશ ફુટારારામ
મીણાએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. માધાપર પોલીસ મથકે ઝીંકડીના રણછોડભાઇ નારણભાઇ
ખાસા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઇ કરમણભાઇ બજાજ પલ્સર નં. જીજે-12-સીએલ-5166વાળાથી
તેની નોકરી પૂરી કરી ગઇકાલે સાંજે પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે નાના વરનોરાથી મોટા
વરનોરા વચ્ચે સામેથી આવતી ઇસુઝુ નં. જીજે-12-ડીએસ-2977વાળીના ચાલકે પૂરઝડપે-બેદરકારીથી
ચલાવી મારા ભાઇની બાઇક સાથે અકસ્માત સર્જી ભાઇને ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી ચાલક
ઇસુઝુ મૂકી નાસી ગયો હતો. 108 મારફત કરમણને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદના આધારે ઇસુઝુના ચાલક વિરુદ્ધ
માધાપર પોલીસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૂળ
બિહારના હાલે ધ્રબમાં રહેતા 36 વર્ષીય ટ્રેઇલર ચાલક એવા સુબોધરાય ઉમેશરાય તેના કબજાનું
ટ્રેઇલર નં. જીજે-12-બીઝેડ-6117વાળું ચલાવી ગઇકાલે બપોરે ધ્રબ સીમમાં શાંતિ સર્કલ અને
રેલવે ફાટક પાસેથી જતા હતા, ત્યારે ચાલુ ડ્રાઇવિંગે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો,
આથી તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેઇલર ડિવાઇડર પર ચડી ગયું હતું અને સુબોધરાયનું
મૃત્યુ નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
છે. બીજીતરફ ગાંધીધામના સેક્ટર-4, પ્લોટ નં. 119માં રહેનાર જગદીશ નામના યુવાને ગત તા.
6/12ના રાત્રે 11થી તા. 7/12ના રાત્રે બે વાગ્યા દરમ્યાન ગમે ત્યારે અંતિમ પગલું ભરી
લીધું હતું. આ યુવાન પ્લોટ ઉપર હતો ત્યારે તેણે લોખંડના પાઇપમાં પ્લાસ્ટિકની દોરી બાંધી
ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ પછવાડેનું કારણ અકળ છે, જેની આગળની વધુ તપાસ
પોલીસે હાથ?ધરી છે.