• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

હવામાં હાહાકાર ! વિમાન પ્રવાસમાં નવું જોખમ

આધુનિક  યુગમાં વિમાની સેવા અનિવાર્ય અંગ બની ગઈ છે, પણ સમયની સાથે આ સેવાની સલામતી સામે નવા નવા પડકારો ઊભા થતા રહ્યા છે. વિમાનના ઉડ્ડયનમાં યાંત્રિક ખોટીપાથી માંડીને અપહરણ જેવા આતંકી જોખમો લોકોનાં મનમાં ભયની લાગણી સતત વધારી રહ્યા છે.  આવામાં બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલાં ફ્લાય દુબઈનાં વિમાનની કોકપીટમાં બનેલા બનાવે એક નવતર જોખમને છતું કર્યું છે. કોકપીટમાં જે રીતે કો-પાઈલટે પોતાના પાઈલટને છરી મારીને વિમાનને તોડી પાડવાનો જે હિંસક પ્રયાસ કર્યો તેનાથી દુનિયાભરમાં વિમાની સેવા સાથે સંકળાયેલા ઉતારુઓથી માંડીને સલામતી નિષ્ણાતો સુધીના સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે.  ફ્લાય દુબઈનાં બોઈંગ વિમાનમાં ઉડ્ડયન દરમ્યાન કોકપીટમાં બનેલા બનાવની સાથોસાથ વિમાને ગણતરીની સેકન્ડોમાં હજારો ફૂટની ઊંચાઈ ગુમાવી દેવાની આ બેવડી ઘટનાએ વિમાની સેવાઓની સલામતી સામે નવી ચિંતા જગાવી છે.  180 ઉતારુઓ સાથેના આ વિમાનમાં અપહરણની ચેતવણી આપતા સંકેત પ્રસારિત થયા હતા.  હિંસક બનાવ બાદ વિમાનને યેનકેન પ્રકારે સાઉદી અરેબિયાના તાબુક વિમાની મથકે સલામત રીતે ઉતારાયું હતું અને તેમા સવાર તમામ ઉતારુઓ અને કર્મચારીઓ સલામત બહાર આવ્યા હતા. ઘવાયેલા ભારતીય મૂળના ગુજરાતી પાઈલટ સ્મિત મચ્છરને હાલે તાબુકમાં સારવાર અપાઈ રહી છે.  આ બનાવે નવા અને ગંભીર સવાલ ખડા કર્યા છે કે, જો ખુદ કો-પાઈલટ જ હિંસા આચરે તો વિમાનની સલામતી રહે જ નહીં.  આવામાં વિમાનમાં સવાર સંખ્યાબંધ ઉતારૂઓની સલામતીનું શું થાય ?  અવામાં કોકપીટમાં બેસતા અને આવ-જા કરતા કર્મચારીઓના મામલામાં સલામતીનાં ધોરણો અંગે હવે ગંભીરતા સાથે મંથન કરવાની જરૂરત છતી થઈ છે. પાઈલટોની નિયુક્તિ સમયે તેમની વિચારધારા અને આચરણના ઈતિહાસની તપાસને માત્ર કાગળ પૂરતી મર્યાદિત રાખવાનું જોખમ હવે લઈ શકાય નહીં,  તેમાં પણ પાઈલટોને સમયાંતરે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરાવવાની પણ હવે જરૂરત રહેશે.  આ ઘટનાક્રમે કોકપીટ અને કર્મીઓના સલામતી પ્રોટોકોલને ફરી ઘડવાની જરૂરત છતી કરી છે.  હવે એ જોવાનું રહેશે કે, જો બે પાઈલટ વચ્ચે કોઈ હિંસક બનાવ બને તો સાથી કર્મચારીઓ કઈ રીતે અને કેટલી હદે દરમ્યાનગીરી કરી શકે તેનાં ધોરણો પણ તૈયાર થવાં જોઈએ. કર્મચારીઓને હવે ઉતારુઓની આગતા-સ્વાગતાની સાથોસાથ સલામતીની પાયાની તાલીમથી સજ્જ કરવા પર પણ હવે ધ્યાન અપાવાની શક્યતા પણ દુનિયાભરમાં ચકાસાવી જોઈશે.  ઉલ્લેખનીય છે કે, ફ્લાય દુબઈનાં વિમાનને ઉગારવામાં પોતાનું લોહી રેડનાર ભારતીય પાઈલટ મૂળ ગુજરાતી છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ પાઈલટની દિલેરીને વધાવી લીધી છે,  તો વતન ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ગુજરાતી વીરને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. નેતન્યાહુએ આ વિમાનને જમીન પર તોડી પાડીને ઉતારુઓના મોત નીપજાવવાનો કારસો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો છે.  આગળ જતાં દરેક કોકપીટમાં સ્મિત મચ્છર જેવા પાઈલટ નહીં હોય ત્યારે ઉતારુઓની સલામતીનું શું એ સવાલનો જવાબ હવે શોધવાનો રહેશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd