ભુજ, તા. 16 : વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે તસવીરકળામાં
રસ ધરાવનારા માટે ફોટોગ્રાફી સાથે પ્રકૃતિ જીવનથી માહિતગાર થવાનું આયોજન શ્રી રામકૃષ્ણ
ટ્રસ્ટ તથા ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છ દ્વારા કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સંયુક્ત
ઉપક્રમે કરાશે. આજકાલની તણાવભરી જિંદગીમાં યુવાનો પ્રકૃતિનાં જતન માટે આગળ આવે અને
તેનાં સંવર્ધન માટે પ્રયાસ થાય તે ભાવનાથી આયોજન કરાયું હોવાનું ફોટોગ્રાફિક સોસાયટી
ઓફ કચ્છના પ્રમુખ પ્રકાશ ગાંધી તથા મંત્રી આશુતોષ ગોરે જણાવ્યું હતું. કુદરતના ખોળે
લોકો પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરી તેમના કેમેરામાં કંડારી શકે તે માટે મંચ પૂરો
પાડવાના ઉદ્દેશથી કરાયેલાં આયોજનમાં ભાગ લેવા ઈચ્છુકોએ તેમના મોબાઈલ તથા કેમેરા સાથે
તા. 19ના સવારે 7:45 વાગ્યે અભય કલર લેબ ભુજ પાસે
પોતાનાં વાહનથી ઉપસ્થિત થવાનું રહેશે. કાર્યક્રમ નિ:શુલ્ક રહેશે, પણ નોંધણી ફરજિયાત કરાવવી પડશે. કુકમાના ચિંતન
ફાર્મ ખાતેના સ્થળે મોબાઈલ તથા કેમેરા અંગે નિષ્ણાતો દ્વારા માહિતી અપાશે તેમજ ભાગ
લેનારાના પ્રશ્નોનું નિરાકરણ લવાશે. નોંધણી માટે 98984 74931 ઉપર ફોન કરવાનો રહેશે.