• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ભુજ તા.ની ઉત્તરે એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ

ભુજ, તા. 16 : ભુજની ઉતરાદે આવેલાં ખેતરોમાં જીવાત દેખાતાં એરંડાનો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. પહેલા વરસાદ બાદ વાવેતર કરેલા બીજ ન ઊગતાં ખેડૂતોએ બીજીવાર વાવેતર કર્યું, પરંતુ તે નિષ્ફળ થવાની સંભાવના બાદ ત્રીજીવાર વાવેતરથી કૃષિકો પરેશાન બન્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. કચ્છમાં રાપર-ભચાઉના પૂર્વ વિસ્તારમાં ચાલુ વર્ષે વરસાદ પડવાથી થોડીઘણી રાહત મળી છે, પરંતુ અન્ય તાલુકામાં અપૂરતા વરસાદ પડવાનાં કારણે ખેડૂતોએ વાવેતર કરેલા પાકોને પોષણ ન મળવાનાં કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ભુજ તાલુકાના ઉત્તર બાજુના સીમાડામાં આવેલાં ખેતરોમાં બે વખત વાવેતર કરેલા એરંડાના છોડ નીચે જીવાત આવી જવાની ફરિયાદ ઊઠી હતી. જુલાઈમાં બે-ત્રણ ઈંચ વરસાદ પડયા પછી ખેડૂતોએ વાવેતરનું કામ શરૂ કર્યું, પરંતુ અપૂરતા વરસાદનાં કારણે છોડ માટીમાં જ દબાઈ જતાં ખેડૂતો ફરી બીજીવાર વાવેતર કરવાની ફરજ પડી હતી, પરંતુ પાક જમીનમાંથી બહાર નીકળે એ પહેલાં જીવાત આવી જતાં ખેડૂતો ત્રીજીવાર વાવેતર કરવાની વાત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શ્રાવણ માસના આગમન છતાં ખેતરોમાં હરિયાળીની જગ્યાએ માટી જ દેખાઈ રહી છે, રાત-દિવસની મહેનત પછી પણ ખેડૂતો નિરાશા અને ચિંતાના સૂરો વ્યક્ત કરી રહ્યા છે. મોંઘા બિયારણ પાછળ ખર્ચેલાં નાણાં વ્યર્થ ગયાંની સ્થિતિ જોવા મળી રહી છે. શ્રાવણમાં જો વરસાદ નહીં પડે તો ખેડૂતોની હાલત વધુ કફોડી થવાની પરિસ્થિતિ સર્જાશે તેવું જણાવાયું હતું.

Panchang

dd