ઢાકા, તા. 16 : ગત પાંચ ઓગસ્ટે દિલ્હીમાં શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સથી બાંગ્લાદેશના
વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાતને લગતા રાજકીય રહસ્યમાં વધારો થયો છે અને પડોશી
દેશે શરત મૂકી છે કે, વડાપ્રધાન
તારિક રહેમાનની ભારત મુલાકાત ત્યારે જ શક્ય છે જો ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને
પ્રત્યાર્પણ કરે. ઢાકાએ ભારતને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો અને મુલાકાત માટે અનુકૂળ
વાતાવરણ બનાવવાનું કહી તાત્કાલિક નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી. એક મીડિયા હેવાલ
મુજબ, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર,
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બંને દેશો
વચ્ચે અઠવાડિયાથી વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ 5 ઓગસ્ટના નવી દિલ્હીમાં શેખ હસીનાની ખુલ્લી
પત્રકાર પરિષદથી આ પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ છે. વધુમાં કહ્યું હતું કે, બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ
દ્વારા જો ભારત સરકાર માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત શેખ હસીનાને પ્રત્યાર્પણ કરે
અને અન્ય વોન્ટેડ ગુનેગારોને બાંગ્લાદેશને સોંપે તો જ સૌહાર્દપૂર્ણ સંબંધો અને વડાપ્રધાનની
મુલાકાત શક્ય છે. વધુમાં માંગ કરાઈ છે કે, શરીફ ઉસ્માન હાદીની
હત્યાના આરોપીઓને બાંગ્લાદેશને સોંપવામાં આવે. બાંગ્લાદેશ સરકારે જણાવ્યું છે કે તે
આ માંગણીઓ પર નવી દિલ્હીના ઔપચારિક પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. બીજી તરફ,
ભારતે નવી દિલ્હીમાં શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ પર પોતાનું વલણ સ્પષ્ટ
કરી દીધું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, બાંગ્લાદેશના ભૂતપૂર્વ
વડાપ્રધાન અને બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સાથે ભારત સરકારનો કોઈ
સંબંધ નથી.