નખત્રાણા, તા. પ
: મોટી વિરાણી ગામ વચ્ચેથી પસાર થતાં ભારવાહક ટ્રેઈલરોને લઈ ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો
સામનો કરતો પડતો હોવાથી અગાઉ ટ્રકમાલિકોને સૂચના અપાઈ હોવા છતાં જોહુકમી અને દાદાગીરીથી
ગાડીઓ આ જ માર્ગ પરથી ચાલતી હોવાથી આજે 200થી 300 ગ્રામજને
એકત્ર થઈ આવા ટ્રેઈલરોને અટકાવતાં ગરમાગરમી થઈ હતી અને પોલીસે પણ આવીને દરમ્યાનગીરી
કરી હતી. નખત્રાણા તાલુકા મથકને જોડિયું ગામ મોટી વિરાણી ગામની વચ્ચેથી બસ સ્ટેશનથી
જતાવીરા ફુલાય થઈ હાજીપીર તરફ જતા માર્ગમાં ભારે ઓવરલોડ માલ ભરેલા ટ્રેઈલર રાતદિવસ
પસાર થાય છે. જેના કારણે આ સિંગલ રોડ તથા સાઈડો તૂટતાં મોટા ખાડા પડી જાય છે. મોટી
વિરાણી બસ સ્ટેશનથી જતાવીરા જતા માર્ગે જી.એમ.ડી.સી. હાઈસ્કૂલ તેમજ કુમાર, કન્યાશાળા, શારદા મંદિર
સહિતના વિદ્યાર્થીઓ શાળાના સમયે અવરજવર કરતા હોય છે. દરમ્યાન આવા ભારે માલવાહક ટ્રેઈલર
પસાર થતા હોઈ અકસ્માત સર્જાય એવી ભીતિના લીધે એક સપ્તાહ અગાઉ ગામની પાલિકામાં ચૂંટાયેલા
સવિતાબેન સોલંકી, જયેશ કાનાણી તથા અગ્રણીઓ દ્વારા આ માર્ગે ચાલતા
ટ્રક માલિકોને અન્ય માર્ગોથી ગાડીઓ ચલાવવા સૂચના અપાઈ હતી તેમજ પોલીસ તંત્રને પણ જાણ
કરી હતી, છતાં જોહુકમી અને દાદાગીરીથી ટ્રક ડ્રાઈવરો મુશ્કેલીને
સમજ્યા વગર બિનધાસ્ત ગાડીઓ ચલાવતાં આજે 200થી 300ની સંખ્યામાં
ગ્રામજને એકત્ર થઈ ગાડીઓને અટકાવી પાછી વાળી હતી,
ભારે ગરમાવા વચ્ચે પોલીસ તંત્રે દોડી આવી મામલો થાળે પાડયો હતો અને ટ્રક
ડ્રાઈવરોને આ માર્ગેથી ગાડીઓ ન ચલાવવા કડક સૂચના આપી હતી. ટ્રાફિક પોલીસના નિકુંજદાન ગઢવી તથા મેહુલભાઈ જોશી
સહિતના પોલીસકર્મીઓએ સ્થળ પર પહોંચી સમજાવટ કરી હતી.