• સોમવાર, 06 જુલાઈ, 2026

ટેન્કરમાં વધુ મુસાફર બેસાડયા હોવાથી વીમો નામંજૂર કરનારી વીમા કંપની વિરુદ્ધ ચુકાદો

ભુજ, તા. 5 : ટ્રાન્સપોર્ટ વ્હીકલ ટેન્કરમાં વધુ મુસાફર બેસાડયા હોવાનું જણાવી વીમાનો દાવો વીમા કંપનીએ નામંજૂર કરતાં ગ્રાહક કમિશને વીમા કંપની વિરુદ્ધ ચુકાદો  આપ્યો છે.  આ કેસની વિગતો એવી છે કે, ગાંધીધામના મધુરાજ તોમરની માલિકીનાં વાહન અશોક લેલેન્ડ ટેન્કરનો વીમો ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કું.લિ.માંથી લીધો હતો. તા.17/12/18નાં વાહન માલિકના ડ્રાઈવર વાહન ચલાવી શિહોરી તરફ જઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સામેથી અન્ય ટ્રેઈલરચાલકે ફરિયાદીનાં વાહન સાથે અથડાવતાં અકસ્માત થયેલો હતો, જેની પોલીસ ફરિયાદ થતાં અને વાહનમાં નુકસાની થયેલી હોઈ નુકસાનગ્રસ્ત વાહનનો ક્લેઈમ દાખલ કરતાં ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કું. દ્વારા ક્લેઈમ એવા કારણોસર નામંજૂર કર્યો કે, અકસ્માત વખતે ટેન્કર વાહનમાં ડ્રાઈવર ક્લીનર સાથે અન્ય બે વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હોઈ વીમા પોલિસીની શરતોના ભંગ બદલ ક્લેઈમ નકાર્યો હતો.  આ બાબતે ફરિયાદી મધુરાજ દ્વારા વીમા કંપનીની સેવામાં રહેલી વીમાકીય ખામી સબબ જિલ્લા ગ્રાહક તરકાર નિવારણ કમિશન ભુજ (કચ્છ) સમક્ષ ફરિયાદ દાખલ કરી અને કેસ ચાલી જતાં બન્ને પક્ષે દલીલો સાંભળી નેશનલ કમિશન, સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ એવા તારણ પર આવી કે, અકસ્માતનું કારણ અને દાવો નામંજૂર કરવાનાં કારણ વચ્ચે કોઈ સંબંધ ન હોઈ વધુ મુસાફર બેઠેલા હોવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો ન હોવાનું માની ગ્રાહક કમિશનના પ્રમુખ એ.પી. કંસારા તથા સભ્ય પી.વાય. જોશી દ્વારા વાહન નુકસાનીના રૂા. 2,37,024 ફરિયાદ અરજીની તારીખથી 9 ટકા વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવી આપવા ચુકાદો આપ્યો છે. ફરિયાદી,ગ્રાહક તરફે એડવોકેટ અનિલ કે. બાંભણિયા - અંજાર હાજર રહ્યા હતા. - ભાડુઆતની અપીલ રદ : વાદી પ્રવીણ દયારામ પૂજારાના દાવા મુજબ પ્રતિવાદી મિત્રી ઈરફાન અબ્દુલભાઈને ભાડે આપેલી મિલકતનું લાંબા સમયથી ભાડું ન ચૂકવવામાં આવતાં તથા કાયદેસરની નોટિસ આપવા છતાં મિલકત ખાલી ન કરતાં સિવિલ કેસ કરાયો હતો. જેમાં અદાલતે વાદીનો દાવો મંજૂર કરતાં પ્રતિવાદીએ અપીલ દાખલ કરી હતી આ અપીલ સાતમા અધિક જિલ્લા કોર્ટે રદ કરી હતી. - મકાન માલિકનો દાવો મંજૂર : વાદી પ્રતિમાબેન સુરેશભાઈ શાહે ભુજના ભક્તિધામ એપાર્ટમેન્ટ, બી-વિંગ, ત્રીજા માળે ફ્લેટ નંબર 38/બી પ્રતિવાદી મધુભાઈ ઉર્ફે મધુકાંત શિવજી નાકરને ભાડે આપ્યો હતો. તેના અવસાન બાદ તેમના વારસએ લાંબા સમય સુધી ભાડું ન ચૂકવતાં ભાડુઆત વિરુદ્ધ ફ્લેટનો કબજો સોંપવા તથા ચડત ભાડું ચૂકવવા દાવો કર્યો હતો. અદાલતે મકાનમાલિકનો દાવો મંજુર કર્યો છે. ઉપરોકત બન્ને કેસમાં વાદીના એડવોકેટ તરીકે કૌશલ કિરણ ગણાત્રા, વિજય બી. ત્રિપાઠી, ભૂમિતગિરિ એમ. ગોસ્વામી વિગેરે હાજર રહ્યા હતા.  

Panchang

dd