ગાંધીધામ, તા. 5 : જૂના જમાનાના અને સોનાના એન્ટિક
સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં
દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે શખ્સે રૂા. 32 લાખ ઓળવી જઇ છેતરપિંડી આચરી હતી. ભચાઉના રામવાડી વિસ્તારમાં
રહી ઘંટી ચોકમાં મહાવીર વાસણ નામની દુકાન ચલાવતા રોહિત વિનોદ શેઠ નામના યુવાને બનાવ
અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી પાસે ગત તા. 22/5ના 30થી 40 વર્ષીય અને 27થી 28 વર્ષીય બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. જૂના જમાનાનો એન્ટિક સિક્કો
બનાવ્યો હતો. તેના કેટલા આવે તેમ પૂછતાં ફરિયાદીએ રૂા. 10 આવે તેમ કહ્યું હતું. બાદમાં
થોડા દિવસ બાદ ફરી દુકાને આવી સિક્કો વેચવાની વાત કરી હતી. ફરિયાદીએ ઓળખીતા સોની પાસે
સિક્કો લઇ જઇ તપાસ કરાવતાં રૂા. 14,000 આવે
તેમ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીએ સિક્કો પોતાની પાસે રાખી ગ્રાહક હશે તો કહેશે
તેવું જણાવ્યું હતું. બાદમાં આરોપીઓએ ફરિયાદીને ફોન કરી પોતાની પાસે 2700થી 2800 જેટલા આવા સિક્કા હોવાની અને
તેના કેટલા આવે તેમ પૂછયું હતું, જેથી
ફરિયાદી વેપારીએ રૂા. 9થી 10 લાખ આવે તેમ જણાવ્યું હતું.
પાછળથી આ શખ્સો ફરી દુકાને આવી પોતાની પાસે બે કિલો 700 ગ્રામ જેટલા સિક્કા છે અને
તે 40થી 45 લાખમાં વેચાય તેમ હોવાનું કહ્યું હતું. ફરિયાદીએ 32 લાખમાં વેચાણ કરાવી દેવાની
વાત કરી પોટલીમાંથી ત્રણ સિક્કા લઇ ઓળખીતા સોનીને ત્યાં ખરાઇ કરતાં ત્રણ સિક્કા સાચા
હોવાનું બહાર આવ્યું હતું. વેપારીને વિશ્વાસ આવી જતાં તેણે આ આરોપીઓને 32 લાખ આપી દીધા હતા. રૂપિયા લઇને
બંને શખ્સ રફુચક્કર થઇ ગયા હતા. બાદમાં ફરિયાદી આ સિક્કા લઇને સોની પાસે તપાસ કરાવતાં
તે સોનાના સિક્કા ખોટા હોવાનું બહાર આવતાં વેપારી ઉપર આભ તૂટી પડયું હતું. આ ચકચારી
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.