ગાંધીધામ, તા. 5 : મહાનગરના રંગરૂપ સાથે આકાર લઈ રહેલા ગાંધીધામ સંકુલમાં પાયાની સુવિધા વિકસાવવા સહિતની
દિશામાં વિકાસનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો
છે, તો બીજી બાજુ આ સંકુલના નાગરિકો માટે અદ્યતન એસ.ટી. બસપોર્ટ નિર્માણનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો
છે. સંભવત વર્ષ 2027ની શરૂઆતમાં
આ પ્રકલ્પનું કામ પૂર્ણ થાય તેવી આશા સેવાઈ
રહી છે. શહેરના ટાગોર
રોડ ઉપર દીનદયાલ પોર્ટ પ્રશાસનિક કચેરીના પાછળના ભાગે એસ.ટી. વિભાગનું આધુનિક બસપોર્ટ
નિર્માણની ગતિવિધિ ચાલી રહી છે. આ માટે અંદાજિત રૂા. 11.61 કરોડનો ખર્ચ થશે. હાલમાં આ
કામના પાયા ભરાઈ ચૂક્યા છે. અંદાજિત 30 ટકા જેટલું કામ થયું
હોવાનું અંજાર ડેપો મેનેજર શ્રી શામરાએ જણાવ્યું હતું. આ પ્રકલ્પ તળે બસપોર્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 11 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા તથા વેઈટિંગ હોલ,
કેન્ટીન, સ્તનપાન માટે રૂમ, 12 સ્ટોલ, શૌચાલય તેમજ પ્રથમ માળે કર્મચારીઓ માટે રેસ્ટરૂમ, હોટલ મેનેજમેન્ટ રૂમ, કેફે, રસોડું,
3 સ્યુટ રૂમ, 8 બેડરૂમ સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે. એજન્સી 14 મહિનાના સમયગાળામાં પૂર્ણની
શરત છે. આ ગણતરી મુજબ જાન્યુ. અથવા ફેબ્રુઆરી 2027માં આ કામ પૂર્ણ થાય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે. નોંધપાત્ર
છે કે, ગાંધીધામમાં હાલમાં કાર્યરત બસ સ્ટેશનની જમીન માટે કંડલા પોર્ટ
ઓથોરિટી દ્વારા લીઝ રિન્યૂ ન કરાતાં ભૂતકાળના સમયમાં અહીં નવા બસ સ્ટેશનનું કામ ખાતમુહૂર્ત બાદ પણ શરૂ
થઈ શક્યું ન હતું. ત્યારબાદ નવી જમીનમાં બસ સ્ટેશન નિર્માણ માટે પ્રક્રિયા હાથ ધરાઈ
હતી. કંડલા પોર્ટ દ્વારા હકારાત્મક અભિગમ સાથે
નવા સ્ટેશન માટે નવી જગ્યાની ફાળવણી કરાતાં બસ સ્ટેશન નિર્માણનો મુદ્દો ઉકેલાયો છે. પરિણામે
હાલમાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે.