• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

અબડા અડભંગની ભૂમિ ઉપર ચૂંટણી એટલે `કાંટે કી ટક્કર'

કપિલ જોષી દ્વારા : નલિયા, તા. 22 : અબડાસામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગામડેગામડે પ્રચાર માટે વિવિધ પક્ષોની ગાડીઓનો કાફલો ફરી રહ્યો છે, મતદારોને રીઝવવા માટે નવા-નવા વાયદાઓ અને આકર્ષક વાતોની હારમાળા ચાલી રહી છે. આ વખતે અબડાસામાં જિલ્લા પંચાયતની બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જ્યારે તાલુકા પંચાયતની અમુક બેઠકો પર ચતુષ્કોણીય હરીફાઈ પણ ખેલાઈ રહી છે. ભાજપનો વિજય રથ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે, જેને રોકવા માટે કોંગ્રેસ પાર્ટી કમર કસીને તૈયાર છે. - જિલ્લા પંચાયત : અબડાસા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠકો - વાયોર, નલિયા અને મોથાળા  માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ આમ આદમી પાર્ટી (આપ)ની એન્ટ્રીએ સમીકરણોને વધુ રસપ્રદ બનાવ્યા છે. `આપ' કયા પક્ષને ફાયદો પહોંચાડે છે તે જોવું રહ્યું અને મતદારો પણ કોઈને ખોલ આપતા નથી. - તાલુકા પંચાયત : 18 બેઠક : તાલુકા પંચાયતની 18 બેઠક માટે 54 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, જેઓ કેટલાક વિસ્તારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. - નલિયા બેઠક ચર્ચામાં : નલિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના મહાવીરાસિંહ જાડેજા અને કોંગ્રેસના જામભા સોઢા વચ્ચે મુખ્ય હરીફાઈ છે. `આપ'માંથી મહાવીરાસિંહ  જાડેજા અને પતંગના નિશાન પરથી સારૂબાઈ કુંભાર પણ મેદાનમાં હોવાથી ચાર ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસે જીતી હતી, ત્યારે ભાજપે આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ટિકિટ ફાળવણી મુદ્દે નલિયામાં બંને પક્ષે રસાકસી હતી. ભાજપે પોતાની યાદી જાહેર કરી ત્યારે નામ જાહેર ન કર્યું, પણ ફોર્મ ભરવાના દિવસે મેન્ડેટ મહાવીરસિંહને અપાયું હતું, તો કોંગ્રેસે યાદી જ બહાર ન પાડીને 15મીએ અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં જામભાનું નામ સામે આવ્યું હતું. નલિયા જિલ્લા પંચાયત હેઠળ આવતી છ તાલુકા પંચાયત બેઠકો - નલિયા 1, નલિયા 2, સુથરી, કોઠારા, ભાનાડા અને જખૌ  પર પણ ગરમાવો છે. ગત ટર્મમાં ભાજપને નલિયા જિલ્લા પંચાયત હેઠળની બે તાલુકા પંચાયત બેઠકો મળી હતી, ત્યારે આ વખતે વધુ બેઠકો જીતવા ભાજપ પ્રયાસરત છે. સુથરી બેઠક પરથી સંઘાર સમાજના આગેવાનો ભાજપમાં જોડાતાં નવા સમીકરણો રચાયા છે, જેનાથી ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવું રસપ્રદ રહેશે. - મોથાળા જાળવી રાખવાનો પડકાર : મોથાળા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના કમા સુરા રબારી અને કોંગ્રેસના અરાવિંદ ગઢવી વચ્ચે સીધો જંગ છે. જો કે, `આપ'ના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ગત ટર્મમાં આ બેઠક ભાજપે જીતી હતી અને આ વખતે પણ તેને જાળવી રાખવા ભાજપ મક્કમ છે. મોથાળા જિલ્લા પંચાયત હેઠળ આવતી છ તાલુકા પંચાયત પૈકી, ડુમરા, ખીરસરા કો., નરેડી, વરાડિયા પર ભાજપ ગત ટર્મમાં મજબૂત સ્થિતિમાં હતો અને મોથાળા, વિંઝાણ સીટ પર કોંગ્રેસ જીતી હતી. આ વખતે નરેડી અને મોથાળા બેઠકો પર સૌની નજર છે. કોંગ્રેસમાં જૂના રાજકીય આગેવાનો જોડાતાં તે પણ મજબૂત બની છે. બંને પક્ષો દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે અને આ બેઠકોનાં પરિણામો પર સૌની નજર રહેશે. - વાયોરમાં ગઢ ભેદવાનો પ્રયાસ : વાયોર જિલ્લા પંચાયત બેઠક પર પાંચ જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. આ બેઠક ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી. ભાજપના સૂરજબા દેવુભા સોઢા (મહિલા ઉમેદવાર) અને કોંગ્રેસના સમીનાબાઈ અલી કેર વચ્ચે સીધો જંગ છે. અન્ય ત્રણ ઉમેદવારો - ઝાડુ, પતંગ અને ટેબલ નિશાનવાળા - કોના મત તોડે છે અને કોને ફાયદો કે નુકસાન પહોંચાડે છે તે જોવું રહ્યું. આ બેઠક પર લઘુમતી સમાજના મતો નિર્ણાયક બનતા હોય છે. વાયોર જિલ્લા પંચાયત હેઠળ બેર, વાયોર, બિટ્ટા, તેરા, બાંડિયા, રામપર જેવી બેઠકો આવેલી છે. ગત ટર્મમાં કોંગ્રેસ પાસે ચાર બેઠક હતી, જ્યારે બાંડિયા અને રામપર બેઠકો ભાજપે જીતી હતી. આ વખતે પણ ચિત્ર બદલાઈ રહ્યું છે અને બંને પક્ષો મજબૂત સ્થિતિમાં છે. અપક્ષ ઉમેદવારો કોના મતોનું વિભાજન કરે છે તેનો ખ્યાલ મતદાનના દિવસે જ આવશે. અબડાસા તાલુકામાં જિલ્લા પંચાયતમાં ત્રિપાંખિયો અને તાલુકા પંચાયતની અમુક બેઠકો પર ચતુષ્કોણીય જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, તો કોંગ્રેસ પણ મજબૂત પ્રચાર કરી રહી છે. ભાજપના રથને રોકવા માટે કોંગ્રેસે કમર કસી છે. - પરિણામો પર સૌની નજર : 28મી તારીખે પરિણામો જાહેર થશે ત્યારે કોને બહુમતી મળે છે તે સ્પષ્ટ થશે. ગત ટર્મમાં તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી કોંગ્રેસે 10 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે ભાજપ તાલુકા પંચાયતમાં બહુમતી મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે અને વિકાસનાં નામે મત માગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ તેમજ સામાન્ય પ્રજાના પ્રશ્નોને લઈને ચૂંટણી લડી રહી છે.  જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી ગત ટર્મમાં નલિયા અને વાયોર કોંગ્રેસે જીતી હતી, જ્યારે ભાજપે માત્ર મોથાળા બેઠક જીતી હતી. હવે ચૂંટણીનો રસાકસીનો માહોલ છે અને મતદારો કઈ તરફ વળે છે અને કોને બહુમતી આપે છે તે જોવું રસપ્રદ રહેશે. - કોંગ્રેસની બહુમતી છતાં... : અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાંની તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી હતી ને તાલુકા પંચાયત કોંગ્રેસની બની હતી, પરંતુ પાછળથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો કેસરિયો ધારણ કરી લેતાં અચાનક ભાજપનું સાશન આવી ગયું હતું અને જે-તે વખતે કોંગ્રેસને મત આપવાવાળા મતદારોએ પણ ચૂંટેલા ઉમેદવારો સામે પણ આંગળી ચીંધી હતી. - મોથાળા બેઠકમાં મતો વધુ : અબડાસા તાલુકામાં કુલ 82,642 મતદાર નોંધાયેલા છે, જેમાંથી વિવિધ જિલ્લા પંચાયત બેઠકો પર મતદારોનું વિભાજન જોવા મળે છે. નલિયા જિલ્લા પંચાયત બેઠક પર 12,869 પુરુષ અને 12,545 મહિલા મતદારો સહિત કુલ 25,414 મતદાર છે. મોથાળા જિલ્લા પંચાયત બેઠક પર 15,786 પુરુષ અને 15,069 મહિલા મતદારો સાથે કુલ 30,855 મતદાર નોંધાયેલા છે, જ્યારે વાયોર જિલ્લા પંચાયત બેઠક પર 13,568 પુરુષ અને 12,811 મહિલા મતદારો મળીને કુલ 26,379 મતદાર છે. આ વિશ્લેષણ દર્શાવે છે કે, અબડાસા તાલુકામાં મોથાળા જિલ્લા પંચાયત બેઠક પર અન્ય બેઠકોની સરખામણીમાં સૌથી વધુ મતદારો છે..... - મતદારો શું કહે છે...  : કોઠારાના ચેતન રાવલે જણાવ્યું હતું કે, હાલમાં તાલુકા પંચાયતની આ સીટ ભાજપ જીતશે. કારણ કે, માહોલ ભાજપ તરફી છે. તેમના મતે, ગામનો જ ઉમેદવાર હોવાથી અને જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ સ્થાનિક હોવાથી, ભાજપ આ સીટ પર વિજય મેળવશે તેવી તેમને આશા છે. બીજી તરફ ગરડા પંથકમાં વાયોર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અંગે અભિપ્રાય આપતા અકરી ગામના જુવાનાસિંહ જાડેજાએ  જણાવ્યું હતું કે, આ વખતે મતદારોનો મૂડ અલગ જ છે અને ભાજપની આશા છે. સુથરી તાલુકા પંચાયતની બેઠક હાલમાં ચર્ચામાં છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જોર લગાવી રહ્યા છે. સુથરી ગામના અબ્દુલ રહીમ મંધરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરંપરાગત રીતે આ સીટ જાળવી રાખશે. - ભાજપનો વિજય નક્કી હોવાનો વિશ્વાસ : બીજી તરફ, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજાએ ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસનાં અનેક કાર્યોની યાદી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, `અબડાસા તાલુકામાં શિક્ષણના ક્ષેત્રે નલિયા ખાતે મહત્ત્વની કોલેજ શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે, `નર્મદાનાં કામો પ્રગતિમાં છે અને પાઇપલાઇન દ્વારા ડેમો તથા તળાવો ભરવાનાં કામો થશે. નલિયામાં વિકાસપથનું કાર્ય પણ પ્રગતિમાં છે, જ્યારે નલિયા-ભુજ, નારાયણ સરોવર અને જખૌ બંદર માર્ગોનું નિર્માણ થઈ ચૂક્યું છે.' આરોગ્ય ક્ષેત્રે `મા અમૃતમ કાર્ડ' અને `આયુષ્માન કાર્ડ' થકી ગરીબ અને સામાન્ય લોકોને મફત સારવાર મળી રહી છે, જે ભાજપની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. જયદીપાસિંહે કહ્યું કે, `ભાજપની વિકાસકાર્યોની યાદી એટલી લાંબી છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.' તેમણે દાવો કર્યો કે, `ચૂંટણીમાં ભાજપનો નાનામાં નાનો કાર્યકર પણ ચૂંટણી પ્રચારમાં જોડાયો છે અને મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે સજ્જ બન્યો છે.' તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું કે, ભાજપ તાલુકા પંચાયતમાં બહુમતીથી જીતી રહી છે અને જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજય મેળવશે. - સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ! : અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનવરભાઈ મંધરાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતની બે અને તાલુકા પંચાયતની દસ બેઠકો જીતી હતી. આ વખતે પણ કોંગ્રેસે મજબૂત અને લોકપ્રિય દાવેદારોને મેદાનમાં ઉતાર્યા છે, જેને જનતાનો ટેકો મળી રહ્યો છે. ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, `ત્રીસ વર્ષથી વધુ શાસનમાં રહેલી પાર્ટી સ્થાનિક સ્તરના શિક્ષણ, આરોગ્ય અને લોકોના સામાન્ય પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આ તમામ પ્રશ્નો આજે પણ અદ્ધરતાલ છે.' તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતમાં સત્તા પર આવશે તો સામાન્ય લોકોનાં કામોને પ્રાધાન્ય આપશે અને ગ્રામ્ય સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી તા.પં. બનાવશે અને જિલ્લા પંચાયતમાં પણ તેના ઉમેદવારો વિજયી બનશે. 

Panchang

dd