કોડાય (તા. માંડવી), તા. 22 : જૈન સમાજના
પ્રખ્યાત સાધ્વી અને પદ્મશ્રીથી સન્માનિત વીરાયતનના સ્થાપક આચાર્યા ચંદનાજીનું આજે
સવારે પુણે ખાતે કાળધર્મ પામ્યાં હતાં. તેમના નિર્વાણથી જૈન સમાજ તેમજ ધાર્મિક વર્તુળોમાં
શોકની લાગણી પ્રસરી છે. તેમનાં અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને વર્ધમાન પ્રતિષ્ઠાન, સેનાપતિ બાપટ રોડ, પુણે
ખાતે શુક્રવાર તા. 24 એપ્રિલે સવારે
10થી બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવશે. આ બાદ અંત્યેષ્ટિ
વિધિ વૈકુંઠ સ્મશાનગૃહ, પુણે ખાતે
શુક્રવાર સાંજે 5 વાગ્યે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્યા ચંદનાજીએ
ધરતીકંપ બાદ બિહાર-રાજગીરથી તુરંત કચ્છ આવી ગયાં હતાં અને કચ્છમાં શિક્ષણનો પાયો નાખ્યો
હતો. વીરાયતન જેવી સંસ્થાએ કચ્છમાં ભુજ અને બાદમાં જખણિયા ખાતે પાયો નાખી આજે વિશાળ
સંકુલમાં શૈક્ષણિકધામ ધમધમે છે એ પદ્મશ્રી ચંદનાજીની દીર્ઘદૃષ્ટિને આભારી છે. તેમણે
સાધ્વી-ડાયરેક્ટર શિલાપીજીને કચ્છની જવાબદારી સોંપી છે, જેમાં
આજે સેંકડો વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓ ચંદનાજીને હંમેશા યાદ
કરશે. આચાર્યા ચંદનાજીના નિર્વાણથી આધ્યાત્મિક જગતમાં મોટી ખોટ ઊભી થઈ છે. તેમનાં સેવાકાર્યો
અને માનવતાવાદી દૃષ્ટિકોણને સદાય યાદ રાખવામાં આવશે. ખાસ કરીને 2001ના ભૂકંપ બાદ સાઘ્વી શિલાપીજી મહારાજ સાહેબ સાથે મળીને વીરાયતન
વિદ્યાપીઠ શરૂ કરીને તેમણે કચ્છમાં સેવાયજ્ઞ શરૂ
કર્યો હતો, જે આજ દિન
સુધી અવિરત ચાલુ છે. જિલ્લાના છેવાડાનાં બાળકોને પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષણ
માટે વીરાયતન સંકુલ સમગ્ર કચ્છમાં પ્રખ્યાત છે, જે આચાર્યા ચંદનાજીની
દૂરદૃષ્ટિને આભારી છે. તેમનાં નિધનના સમાચારથી જિલ્લાના જૈન સમાજ અને શૈક્ષણિક વર્તુળોમાં
પણ શોકની લાગણી ફેલાઈ હતી.