• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

માંડવી તા.પં. માટે દરિયાઇ કાંઠાની ધરતીના માડુઓનો `ખોંખારો' નોખો

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 22 : દેશ-દેશાવરમાં વેપાર-વસવાટ કરીને ગામેગામનું જાણે પાણી પીનારી આ તાલુકા પંથકની દરિયાખેડુ સહિતની પ્રજાની ખુમારી, ખાસિયત અને ખોંખારો નોખી ભાત પાડનારો જાણીતો છે. આઝાદી પછી રાષ્ટ્રપતિની પહેલી ચૂંટણીમાં રાજેન્દ્રપ્રસાદજી સામે લોકશાહી મૂલ્ય કાજે મેદાનમાં ઊતરેલા પ્રો. કે. ટી. શાહ અને ક્રાંતિગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્માની આ ભોમકા માટે તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટે ત્રણ બેઠકો બિનહરીફ સરકાવી લેનાર ભાજપએ હવે 20 પૈકી 17 બેઠકો ઉપર કોંગ્રેસ સામે મેદાને જંગ ખેલવાનો છે. જિલ્લા પંચાયતની ચાર બેઠકો સહિતના ચુનાવમાં ગ્રામ્ય વિસ્તારના એક લાખ તેર હજાર નવસો પંદર મતદારો કેવો રંગ બતાવે છે તે 28મીએ પાધરું થશે. કમળ સામે પંજો કેવું અને કેટલું બળ ઝીલે છે તેના વર્તારામાં ભાજપાનો હાથ ઊંચો હોવાનું મતદાતાઓમાંથી જાણવા મળ્યું હતું, તો બીજીબાજુ `એન્ટિ ઇન્કબન્સી'ના તરાપે કોંગ્રેસ તરી જવાના સમણાં જોઇ રહી છે. અહીં મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તાર પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેનો છે. - અતીતમાં ડોકિયું : કોઇએ કલ્પના નહોતી કરી તેવા મીર ઉપર મહાવત સ્થાપતા હોય તેવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનું ખૂબ મોટું માથું સુરેશભાઇ મહેતાને હાર મળી હતી. કોંગ્રેસનો સૂર્ય રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તપતો હતો ત્યારે આ દરિયાઇ ધરતીએ કોંગ્રેસને હારના પાણી પીવડાવ્યાં હતાં. ડો. મહિપતરાય મહેતા જેવા મહારથી અને ઇન્દિરા ગાંધીનો ડાબો હાથ મનાતા ધીંગા કોંગ્રેસી પ્રતિસ્પર્ધીને '77માં અનંતભાઇ દવેએ શિકસ્ત આપેલી. આ તાલુકાની તાસીર અને તસવીર અલગ રહી છે. અપવાદો બાદ કરતાં આ વિસ્તાર કેસરિયા રંગનો અજય ગઢ રહ્યો છે. જિલ્લા પંચાયતની ચાર બેઠકોમાં સૌથી વધારે મતદારો કોડાય જિ.પં.ની બેઠક ઉપર 31142 જ્યારે લઘુતમ મતદારો ગઢશીશા જિ.પં.ની સીટ ઉપર 25692 ભાગ્યવિધાતા બની લેખ લખવા જઇ રહ્યા છે. પ્રતિસ્પર્ધીને નબળો ગણવાની ગફલત ગમે તેવા ખેરખાંને આંચકો આપે તેનું નામ ચૂંટણી... એવું જાગૃતોએ કહ્યું હતું. - જિલ્લા પંચાયતમાં સંગ્રામ : બિદડા વિભાગની જિ.પં. બેઠકમાં બાગ, બિદડા-1, બિદડા-2, ગુંદિયાળી અને નાના ભાડિયાની તાલુકા પંચાયત બેઠકો સમાવિષ્ટ છે. આ પૈકી બિદડા-2 નિર્વિરોધ થતાં હવે બાકી ચાર સ્થળે સંગ્રામ છે. આ પૈકી બાગ બેઠકને ભાજપ આસાન માને છે. હવામાન જાણવા મળ્યું છે તે પ્રમાણે ગુંદિયાળી અને નાના ભાડિયામાં તીવ્ર સ્પર્ધા માટે કોંગ્રેસે ખરાખરી માટે ખાંડા ખખડાવ્યાં છે. બાગમાં સૌથી વધારે મતદારો 7768, જ્યારે નાના ભાડિયામાં તમામ બેઠકોમાં સૌથી ઓછા 3724 ભાગ્યવિધાતાઓ છે. ગઢશીશા વિભાગની જિ.પં. બેઠક ઉપર સૌથી ઓછા મતદારો 25692 જાણવા મળ્યા છે. બાડા, ગઢશીશા-1, ગઢશીશા-2, મોટી મઉં અને બાયઠ તા.પં. બેઠકો આ વિભાગમાં છે. બાયઠ બિનહરીફ થતાં હવે બાકીમાં મુકાબલો છે. બાડાની બેઠક પરંપરાગત રીતે ભાજપની તરફેણમાં રહી છે, પરંતુ આ વેળાએ એક જ પરિવાર વચ્ચે બળાબળના પારખાં હોતાં અંતિમ પરિણામ આવે તે સાચું. હાથે કરીને વીંછીને કોણ છાણે ચડાવે એવી મનોવૃત્તિમાં મતદારો કળવા નથી દેતા તોય જીભ લપસતાં ગઢશીશા તા.પં. બેઠક ઉપર ખરાખરીનો મુકાબલો જાણવા મળ્યો હતો. તલવાણા જિ.પં. બેઠકમાં સમાવિષ્ટ દરશડી, તલવાણા, રામપર, શેરડી અને નાની વિરાણી તા.પં. બેઠક પૈકીની નાની વિરાણી બિનહરીફ છે. - શું છે સમીકરણ : તલવાણા બેઠક બંને પક્ષે મહેનત કરાવે છે. શેરડીમાં કમળના ભારે પાસાં વચ્ચે કેટલાક અંશે જ્ઞાતિવાદ કેવો પ્રભાવ પાડે છે તે પરિણામ કહેશે. દરશડી અને રામપર તા.પં. બેઠક માટે ભાજપ તરફે ફતેહનો રણકો છે. કોડાય, મોટી રાયણ ઉપર પાટીદાર, લઘુમતીઓ, પંચરંગી આબાદી પ્રભાવી બળ છતાં ભાજપાએ `અંકે' ગણાવી હતી. તલવાણા જિ.પં. વિભાગમાં 27534 મતદાતાઓ છે. કોડાય જિ.પં. વિભાગ સૌથી વધારે મતદારો સમાવે છે અને ત્યાં ગોધરા, કાઠડા, દુર્ગાપુરમાં `ફાઇટ ટુ ફિનિશ' જેમ બંને પક્ષો પૂરી તાકાતથી પરસેવો પાડી રહ્યા છે. એક સમયે તલવાણા તા.પં. બેઠક કોંગ્રેસ માટે ગજવાની મનાતી. તાજેતરમાં બદલાયેલા સમીકરણો થકી હવે ભાજપ તરફ ઢળેલી કહેવાય છે. 148 જેટલા મતદાન મથકો ઉપર સરાસરી 770 મતદારો અંતિમ યાદી-રેકોર્ડ ઉપર છે એમ જિ.પં. બેઠકોના ચૂંટણી અધિકારી દેવેન્દ્રભાઇ બારિયા, તા.પં. ચુનાવના બે વિભાગોના રિટર્નિંગ અધિકારીઓ મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા અને તા.વિ. અધિકારી એમ. કે. પરમસાર સાથે એ.આર.ઓ. હરેશભાઇ આમના, પ્રકાશભાઇ ચૌહાણ અને હરદીપ જોશીએ કહ્યું હતું. - પ્રચાર પરસેવો પાડે છે : ચૂંટણી કાર્યાલયો ખોલવામાં, જૂથ સભાઓ યોજવામાં અને ડોર ટુ ડોર સંપર્કમાં ભાજપાનો અશ્વ આગળ અનુભવાઇ રહ્યો છે. પ્રતિપક્ષ કોંગ્રેસ પણ આંચકો આપવાના ચોગઠાં ગોઠવવામાં પરસેવો પાડી રહી છે. આ વચ્ચે ઉનાળાની ગરમીની સમાંતરે ચુનાવી ગરમીનો પારો હજી ભૂતકાળની સરખામણીએ પ્રમાણમાં ઓછો ઊંચકાયો હોવાનું લોકો કહી રહ્યા છે. આવા ટાંકણે ઊંદર કર્મીઓની ફિકર સૌથી વધારે રહેતી હોય. વેશધારી વાસ્તવિક ખેશધારી ન નીવડે તેની સતર્કતા છે. રિસામણા, મનામણા, દૂધપીણાંનો દોર પણ બંધબારણે ચાલી રહ્યો હોવાનું મૂછમાં મરકતા મતદારોએ કહ્યું હતું. યુદ્ધ અને ચૂંટણી માનસિક લડાઇ હોવાથી પ્રથમ મસ્તિષ્કમાં અને એ પછી છતાં રણમેદાનમાં ખેલાતી હોવાથી કાર્યકરોનું મનોબળ ટકાવવા, વધારવા યથાશક્તિ જોર અજમાવાઇ રહ્યું છે. ગત વેળાએ ભાજપાએ જિલ્લા પંચાયતની તમામ-ચારે જ્યારે તાલુકા પંચાયતની 20 પૈકી 18 બેઠકો કબજે કરેલી, આ વખતે વ્યૂહકારો એમાં ઉમેરો થવાનો આત્મવિશ્વાસ ન.મો. મંત્રોચ્ચાર સાથે પ્રદર્શિત કરી રહ્યા છે. અહીંની તાલુકા પંચાયતની તવારીખમાં ડો. નૌશીર દસ્તુર નામ તાલુકા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ એમ બંને પદે અંકિત છે. મુરવાજી મોડજી જાડેજા અને જીવુભા વેસલજી રાઠોડે દીર્ઘકાલીન પ્રમુખ પદે રહી વિકાસની કેડી કંડારેલી તે નોંધનીય છે. માંડવી પંથકની નજર 26મીનાં મતદાન અને 28મીનાં પરિણામ ઉપર મંડાયેલી છે. - વિકાસયાત્રાને પ્રાધાન્ય અપાયું : વિભાગના પ્રતિનિધિ તરીકે અંતરિયાળ ગામડાંઓને માળખાંગત રીતે સંતૃપ્ત કરવામાં કોઈ કમી રાખી નથી અને રખાશે નહીં તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પ્રતિઘોષમાં કહ્યું હતું. પ્રજા પ્રતિનિધિ તરીકે ગામેગામને સુચારુ રસ્તાઓ, પુલો, જળસંચય અભિયાન, પર્યાવરણ સુરક્ષા કાજે વૃક્ષારોપણ, નદીઓને નવજીવન આપવા જેવા કાર્યોને પ્રાથમિકતા અપાતી રહી છે. આંતર માર્ગોનું નવીનીકરણ, મજબૂતીકરણ અને વિસ્તૃતીકરણ, વીજ સમસ્યા નિવારણઅનેક જળાશયોનાં કાર્યો મંજૂર થયાં છે જેથી ખેડૂતોને ફાયદો થાય. રસ્તાઓની `કનેક્ટિવિટી', મોટી સંખ્યામાં પુલોનું નિર્માણ પ્રગતિમાં અને પાઈપલાઈનમાં છે. વાડીવિસ્તારના રસ્તાઓ, નોનપ્લાન રસ્તાઓ પણ મંજૂર કરાવાયા છે. ગઢશીશામાં કોલેજ, નવી શાળાઓ, નવી હાઈસ્કૂલો - શાળાના ઓરડાઓ, પંચાયતઘર ઉપરાંત બાયપાસનું કામ અંતિમ તબક્કે છે. નલિયા-નખત્રાણા-ભુજ તરફના રોડ પહોળા અને મજબૂત થતા રહે છે. નકારાત્મક આંખોને વાસ્તવિકતા જોવાની દ્રષ્ટિ નથી હોતી. નર્મદા નહેરને મોડકૂબા સુધી પહોંચતી કરાતાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિનું ભવિષ્ય છે. પેટા સબ કેનાલોનાં કામો પ્રગતિમાં છે. જાગૃત જનતા કમળ ઉપર વિશ્વાસ રાખી તાલુકા પંચાયતની તમામ અને આ તાલુકાની જિ. પં.ની બધી બેઠકો ઉપર ભાજપનો વિજય ધ્વજ લહેરાવશે એવો વિશ્વાસ છે એવું તેમણે ઉમેર્યું હતું.  - તમામે તમામ જીતીશું : ભાજપ : ભાજપાના ખોળામાં તાલુકા પંચાયતની 30 પૈકી આગોતરી ત્રણ બેઠકો નિર્વિરોધી નસીબ થતાં હવે બાકીની 17 સીટ ઉપર પણ કેસરિયો રંગ પથરાશે. તાલુકાની જિલ્લા પંચાયતની તમામ ચારેય બેઠકો ઉપર પણ કમળ ખીલી ઊઠશે. અપૂર્વ વિકાસકાર્યોમાં  નિરંતર ગતિ, છેવાડાના વિસ્તાર અને સમુદાય સુધી સમર્પિત કાર્યકરોની સંગઠિત તાકાત સામે પ્રતિપક્ષે સૈનિકો વગરના સેનાનીઓ છે. ભૂતળ નવસાધ્ય કરવા થયેલા અને થતાં જળસંગ્રહનાં કામો, રસ્તાઓ, પુલો, નર્મદાનાં નીર એમ જમા  પાસાંની યાદી લાંબી છે. એવું વિજય વિશ્વાસ વ્યક્ત કરતાં તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ કેશવભાઈ ગઢવીએ કહ્યું હતું. - ગૌચર ગળવાની ચેષ્ટા ભાજપને હરાવશે : કોંગ્રેસ એટલે સમરસતા, સામાજિક ન્યાય માટેનો જનતાનો જીવનમંત્ર મનાયો છે. દાયકાઓથી ભાજપનું નીચેથી ઉપર લગી ભ્રષ્ટ શાસન, સમતુલિત વિકાસનાં નામે શૂન્યતા, કિસાનોને પાક વીમાનાં નાણાં સમયસર આપવામાં સુસ્તી, ગૌચર દબાણકારોને પીઠબળ, દબાણો દૂર કરવા પ્રત્યે દુર્લક્ષ્ય, વીજ સમસ્યાઓ, લાભાર્થીઓને ધરમધક્કા ખવડાવવા, શહેરથી ગામડાંઓ સુધી આરોગ્ય સેવામાં છીંડા, ડોકટરો નથી., દવાઓ નથી, માળખાંગત વિકાસમાં રગશિયા ગાડાચાલ જેવા મુદ્દે ભાજપ પરાસ્ત થશે. કોંગ્રેસ સત્તામાં આવશે તો 80 ટકા રોજગારી પ્રાધાન્ય સ્થાનિકોને અપાશે. ટેકાના ભાવે કૃષિ ખરીદી કરાશે એવું માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીએ જણાવતાં વિજય માટે વિશ્વાસ આગળ કર્યો હતો.  

Panchang

dd