ભુજ, તા. 22 : શહેરના સેન્ટ્રિંગનો માલ સામાન
ભાડે આપતા વેપારી પાસેથી ચારેક વર્ષથી માલ સામાન ભાડે લેતા કોટડા (ચ.)ના શખ્સે આઠેક
માસ પૂર્વે 3.50 લાખનો સેન્ટ્રિંગનો સામાન ભાડે
લીધા બાદ તે સામાન તથા રૂા. 35 હજાર ભાડું
ન આપી 3.85 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ
નોંધાવાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે મૂળજીભાઇ વેકરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ
સેન્ટ્રિંગ માલ સામાનના માલિક કાંતાબેન ગોરસિયા છે. શક્તિધામ પાસે શ્રી સહજાનંદ વિજય
નામની ઓફિસ છે. કાંતાબેને તેમના વ્યવસાયનું પાવરનામું ફરિયાદીને આપ્યું હોવાથી તે સેન્ટ્રિંગનો
માલ સામાન ભાડે આપે છે. ગત તા. 6-8-25ના ફરિયાદી
ઓફિસે હતા, ત્યારે છેલ્લાં ચારેક વર્ષથી
તેમની પાસેથી સેન્ટ્રિંગનો સામાન ભાડે લેતા કાનજીભાઇ ખીમજીભાઇ મહેશ્વરી (રહે. કોટડા
ચકાર, તા. ભુજ) આવ્યા હતા. વિવિધ સેન્ટ્રિંગનો સામાન જેની કિં.
રૂા. 3,50,000 જેટલી થાય છે, તે ભાડે લઇ ગયા હતા. બે માસ બાદ આ સામાન પરત
કરવાનો હતો, પરંતુ આજ દિન સુધી કર્યો નથી. વારંવાર ફોન કરવા છતાં
યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો. ફરિયાદીએ છાનબીન કરતાં કાનજીભાઇએ તેમની પાસેથી ભાડે
લીધેલો સામાન્ય અલગ- અલગ જગ્યાએ વેચી દીધાની માહિતી મળ્યાની વિગતો ફરિયાદમાં લખાવી
છે. આમ ફરિયાદી સાથે 3.50 લાખનો સામાન
ભાડે લઇ તેના ભાડા પેટે રૂા. 34,500 ન આપી અને સામાન બારોબાર વેચી ફરિયાદી સાથે 3.85 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત
કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી સહિતની કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.