વોશિંગ્ટન, તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે ફરી યુદ્ધવિરામને લંબાવવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ ન કરે
અને બંને પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે. તે
સાથે જ ટ્રમ્પે શુક્રવાર સુધી બીજા તબક્કાની વાતચીતની શરૂઆત થઈ શકે છે તેવો સંકેત પણ
આપ્યો યુદ્ધવિરામ લંબાવવા છતાં તેમણે અમેરિકી
સૈન્યને ઈરાન સામે ચાલી રહેલી નાકાબંધી ચાલુ રાખવા માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે. બીજી
તરફ, આ મામલે ઈરાનના સંસદ સ્પીકરના સલાહકારે પ્રતિક્રિયા આપતાં
કહ્યું હતું કે, હારનારો પક્ષ શરતો લાદી શકે નહીં. દરમિયાન,
અમેરિકાની શરતો પર વાતચીત કરવાનો ઈરાને ઈન્કાર કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ
જેડી વેન્સનો પાકિસ્તાન પ્રવાસ સ્થગિત કરાયો હતો. જો કે, સૂત્રોએ
જણાવ્યું હતું કે, ઈરાન-અમેરિકા વચ્ચે આગામી 36થી 72 કલાકમાં વાતચીતનો નવો દોર શરૂ થઈ શકે છે તેમ ટ્રમ્પે જણાવ્યું
હોવાનું અમેરિકાના મીડિયા દ્વારા દાવો કરાયો હતો. એક મીડિયા હેવાલ મુજબ, યુદ્ધવિરામ
લંબાવવાની જાહેરાત કરતાં ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાનના
નેતૃત્વએ અમેરિકાને હાલ પૂરતું હુમલો ન કરવા વિનંતી કરી છે. પાકિસ્તાન રાજદ્વારી માર્ગોને
બીજી તક આપવા માગે છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, ઈરાનની સરકાર
હાલમાં આંતરિક રીતે ખૂબ જ વિભાજિત છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની વિનંતી સ્વીકારીને,
તેમણે હુમલો મુલતવી રાખવાનો અને ઈરાની નેતાઓ તરફથી એકીકૃત પ્રસ્તાવની
રાહ જોવાનો નિર્ણય લીધો છે તેમ જણાવ્યું હતું. બીજી બાજુ, ઈરાનના
સંસદ સ્પીકરના સલાહકારે ટ્રમ્પના યુદ્ધવિરામ લંબાવવાના નિર્ણય પર તીવ્ર પ્રતિક્રિયા
આપતાં કહ્યું હતું કે, ટ્રમ્પનો યુદ્ધવિરામ લંબાવવાનો નિર્ણય
સ્પષ્ટપણે આશ્ચર્યજનક હુમલા માટે વધુ સમય મેળવવા માટે ઇરાદાપૂર્વકની રણનીતિ છે. તેમણે
કહ્યું હતું કે, ઈરાને પહેલ કરવી જ જોઈએ. ઈરાની બંદરોની સતત નાકાબંધી
વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, આ નાકાબંધી એક બોમ્બમારા
હુમલાથી ઓછી નથી અને તેનો લશ્કરી જવાબ આપવો જોઈએ. ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામનો સમયગાળો
લંબાવવાનો નિર્ણય નિરર્થક છે; હારનાર પક્ષ શરતો લાદી શકે નહીં.