• બુધવાર, 25 માર્ચ, 2026

અનુ. જાતિ અને મહિલાઓ અંગે સુપ્રીમના મહત્ત્વના ચુકાદા

અનામત ઉમેદવારો પણ સામાન્ય બેઠક માટે પાત્ર : નવી દિલ્હી, તા. 24 : અનામત મામલે મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો અનામત વર્ગનો અભ્યર્થી કોઈ પાત્રતા પરીક્ષામાં આપવામાં આવેલી મુક્તિ (રિલેક્સેશન)નો લાભ લે તો પણ તે અંતિમ પસંદગીમાં ઉચ્ચ મેરિટ મેળવે તો જનરલ (સામાન્ય) શ્રેણીની બેઠકો માટે પાત્ર ગણાઈ શકે છે. જોકે આ માટે સંબંધિત ભરતી નિયમોમાં તેની મંજૂરી હોવી જરૂરી  છે. ન્યાયાધીશ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેન બેન્ચે બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચના એ ચુકાદાને રદ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે છૂટનો લાભ લેનારા ઉમેદવાર સામાન્ય શ્રેણીમાં `માઈગ્રેટ' થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મહારાષ્ટ્ર ટેટ (ટીઈટી) ઉમેદવારોને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ મહારાષ્ટ્રમાં શિક્ષણનો અધિકાર (આરટીઈ) હેઠળ થનારી શિક્ષકોની ભરતીથી જોડાયેલો છે.  આ ભરતીમાં ઉમેદવારોએ પહેલાં શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) પાસ કરવાની હોય છે અને તે પછી શિક્ષક અધિક્ષમતા અને બુદ્ધિમાપન પરીક્ષણ (ટીએઆઈટી) આપવાની હતી  જેના આધારે અંતિમ મેરિટ બનવાની હતી. ટીઈટી પાસ કરવા માટે સામાન્ય શ્રેણીના ઉમેદવારોને 60 ટકા ગુણ જરૂરી હતા જ્યારે અનામત શ્રેણીના ઉમેદવારો માટે 55 ટકા ગુણ હતા. વિવાદ એ વખતે શરૂ થયો જ્યારે અનામત વર્ગના અનેક ઉમેદવારો (જેમણે પાંચ ટકા છૂટનો લાભ લીધો હતો) તેમણે મુખ્ય પરીક્ષામાં સારો દેખાવ કરીને સામાન્ય શ્રેણીના પસંદગી પામેલા ઉમેદવારોથી પણ વધુ માર્કસ મેળવ્યા હતા. અધિક મેઘાવી હોવા છતાં તેમને ઓપન-સામાન્ય શ્રેણીની મેરિટ સૂચિમાં સામેલ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પણ આ ઉમેદવારોની અરજી ફગાવી હતી. - ધર્માંતરણ સાથે જ એસસી દરજ્જો સમાપ્ત : નવી દિલ્હી, તા. 24 : એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરી લે અને તેનું પાલન કરતી હોય તો તે અનુસૂચિત જાતિ (એસસી)નો સભ્ય રહી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અનુસૂચિત જાતિનો દરજ્જો માત્ર હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે જ છે. ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપતા કહ્યું હતું કે અનુસૂચિત જાતિ સમુદાયનો વ્યક્તિ બીજા ધર્મમાં રૂપાંતર કર્યા પછી તરત જ અને સંપૂર્ણપણે પોતાનો અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવે છે.  સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મને માનતો હોય તે અનુસૂચિત જાતિ (એસસી)નો સભ્ય હોઈ શકે નહીં. કોઈ અન્ય ધર્મમાં પરિવર્તન કરતાંની સાથે જ અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે.  ખ્રિસ્તી ધર્મ અપનાવનારો એક શખ્સ પાદરી તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તેણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ અમુક લોકો સામે કેસ કર્યા હતા. આરોપીઓએ કોર્ટમાં તેને પડકારતાં કહ્યું હતું કે પાદરીએ ધર્માંતરણ કર્યું હતું. 30 એપ્રિલ 2025ના આદેશમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટે કહ્યું હતું કે ઈસાઈ ધર્મમાં જાતિ વ્યવસ્થાને કોઈ સ્થાન નથી. આ સંજોગોમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનારી વ્યક્તિ એસસી-એસટી કાયદાની કલમોનો સહારો લઈ શકે નહીં. - મહિલા સૈન્ય અધિકારી કાયમી પેન્શન માટે હકદાર : નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વની ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, શોર્ટ સર્વિસ કમિશન હેઠળ આર્મી, નેવી, એરફોર્સ સેવામાં જોડાયેલી મહિલા સૈન્ય અધિકારીઓના હક્ક બાબતે મનસ્વી રીતે મૂલયાંકન કરીને કાયમી પેન્શનના ફાયદાઓ નામંજૂર કરી શકાય નહીં. તેમની સાથે ન્યાય થવો જોઈએ, તેઓ પણ કાયમી પેન્શનના લાભ મેળવવા હકદાર છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તજજ ઉજ્જલ ભુયાન અને એન. કોટિશ્વર  સિંઘની બેન્ચે જણાવ્યું હતું કે, આ મહિલા અધિકારીઓએ નિયમ મુજબ આરોગ્ય અને નિયમિત સેવાની  દૃષ્ટિએ યોગ્યતા પ્રાપ્ત કરીને  ઓછામાં ઓછા 20 વર્ષની સેવા પૂર્ણ કરી છે, તેઓ કાયમી પેન્શન મેળવવાને પાત્ર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે ફક્ત પુરુષ અધિકારીઓ જ કાયમી પેન્શનના લાભાર્થી હોઈ શકે નહીં, જો મહિલાઓને કાયમી પેન્શનનો લાભ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે તો તે ખોટું છે. અહીં વાર્ષિક ગોપનીય અહેવાલના આધારે માની લેવામાં આવ્યું છે કે, મહિલાઓ કાયમી પેન્શનના લાભ મેળવવાને હકદાર નથી. નોંધનીય છે કે, મહિલાઓએ ઓપરેશન સિંદૂર જેવા અભિયાનમાં ભાગ લીધો હોવા છતાં તેમના સમકક્ષ પુરુષોને આપવામાં આવતા કાયમી પેન્શનના લાભ મળે છે, જ્યારે મહિલાઓને ભેદભાવનો સામનો કરવો પડે છે. મહિલા અધિકારીઓ તરફેના વકીલે કહ્યું હતું કે, વર્ષ  2020 અને '21માં સુપ્રીમ કોર્ટે આપેલા હુકમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે. વળી આ ક્ષેત્રે મહિલા અધિકારીઓની અછત છે.  તેઓ ખૂબ પ્રતિભાશાળી છે એ મહત્ત્વણૂર્ણ અભિયાનોમાં અગત્યની ભૂમિકા નિભાવી કરી ચૂકી છે, તેમ છતાં તેમની સાથે કરવામાં આવતો આવો ભેદભાવપૂર્ણ વ્યવહાર ખૂબ જ દુ:ખદ છે. 

Panchang

dd