મુંબઈ, તા. 24 : બીસીસીઆઇ દ્વારા આજે આઇપીએલ-2026 સીઝન માટે તમામ 10 ટીમ માટે નવા અને કડક દીશા-નિર્દેશ
જાહેર થયા છે. ટીમ મેનેજરોને અપાયેલી નિયમાવલી અનુસાર મેચના દિવસે કોઈપણ ટીમ અભ્યાસ
સત્રનું આયોજન કરી શકશે નહીં. આ ઉપરાંત ખેલાડીઓના પહેરવેશથી લઈને સ્ટેડિયમમાં પરિવારના
આવન-જાવન સુધીની વિસ્તૃત સૂચિ તૈયાર કરી દરેક ફ્રેંચાઇઝીને બીસીસીઆઇ તરફથી આપવામાં
આવી છે. બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે, મેચના દિવસે મુખ્ય મેદાન પર કોઈપણ પ્રકારના
અભ્યાસ સત્રનું આયોજન કરવાની છૂટ મળશે નહીં. મેચ અગાઉ બન્ને ટીમને પ્રેક્ટિસ એરિયામાં
બે નેટ અને એક સાઇડ વિકેટ આપવામાં આવશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ જેવા વેન્યૂ પર બન્ને
ટીમ એક સમયે અભ્યાસ કરતી હશે તો પ્રત્યેક ટીમને બે-બે પીચ ફાળવવામાં આવશે. આ ઉપરાંત
મુખ્ય મેદાન પર કોઈપણ ખેલાડીનો ફિટનેસ ટેસ્ટ કરવાની મંજૂરી મળશે નહીં. અભ્યાસ સત્રના દિવસે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે
ટીમ બસમાં જ મુસાફરી કરવાની રહેશે. જો કે બે જૂથમાં યાત્રાની છૂટ છે. મહત્ત્વનો ફેરફાર
એ છે કે ખેલાડીઓ તેમના પરિવાર કે ત્રીમિત્ર સાથે ટીમ બસમાં યાત્રા કરી શકશે નહીં. તેમને
અલગ વાહનમાં સ્ટેડિયમ આવવાનું રહેશે. તેઓને ફક્ત હોસ્પિટેલિટી એરિયામાંથી પ્રેક્ટિસ
જોવાની મંજૂરી મળશે. મેદાનની અંદર ઓપન નેટ પર પૂરી રીતે બીસીસીઆઇએ પ્રતિબંધ મૂકી દીધો
છે. મેચ દરમિયાન શિસ્ત જાળવી રાખવા માટે બીસીસીઆઇએ
કેટલાક નિયમ જાહેર કર્યા છે. ખેલાડીઓને નિર્દેશ કરાયો છે કે તેઓ એલઇડી બોર્ડ તરફથી
થ્રો ન કરે અને તેની સામે ન બેસે. ઓરેન્જ અને પર્પલ કેપધારી ખેલાડીએ ઓછામાં ઓછી બે
ઓવર સુધી તો કેપ પહેરવી જ પડશે. જેથી બ્રોડકાસ્ટર તેને કેપ્ચર કરી શકે. મેચ પછીનાં
ઇનામ વિતરણ સમારંભમાં ગંજી અને ચપ્પલ પહેરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. બાંયવાળી
જ જર્સી પહેરવાની છૂટ છે. પહેલી ભૂલ પર ચેતવણી અને બીજી ભૂલ પર ભારે દંડની જોગવાઈ છે.