• બુધવાર, 25 માર્ચ, 2026

યુદ્ધવિરામની આશાએ શેરબજારમાં ઉછાળો

મુંબઈ, તા. 24 : સોમવારે સાંજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ સુધી ઇરાનનાં ઊર્જા મથકો પર હુમલો નહીં કરવાનો અને યુદ્ધવિરામનો નિર્દેશ આપ્યા પછી અમેરિકન બજારોથી શરૂ થયેલો સુધારાનો દોર વાયા એશિયા -ભારતીય બજારોમાં પણ પહોંચ્યો હતો. સેન્સેક્સ 1372 પોઈન્ટ્સ, 1.89 ટકા ઊછળી  74,069 થઇ ગયો હતો. તો નિફટીમાં 399.75 અંકનો વધારો થયો હતો અને તે 22912.40 પર બંધ થયો હતો. બુધવારે બીએસઇમાં વાયદાનું સેટલમેન્ટ થશે કેમ કે ગુરુવારે રામનવમી  નિમિત્તે બજાર રજા પાળશે. તદુપરાંત 31મીને મંગળવારે મહાવીર જયંતીની રજા હોવાથી એનએસઇમાં આવું સેટલમેન્ટ સોમવારને 30મી માર્ચના થશે. એનએસઇમાં વાયદાની માન્યતાવાળા સૂચકાંકોમાં નિફ્ટી બેન્ક સવા બે ટકાના ગેઇને 52,605, નિફ્ટી ફાયનાન્શિયલ સર્વિસીસ પણ સવા બે ટકા વધીને 24,482, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી દોઢ ટકો સુધરી 62,360 અને નિફ્ટી મિડકેપ સિલેક્ટ 2.86 ટકા સુધરી 12,532 બંધ હતા. મંગળવારના સુધારામાં નિફ્ટી ઇન્ડિયા ટૂરિઝમ સૌથી વધુ 3.86 ટકા ઊછળી 6843 બંધ હતો. આ ઇન્ડેક્સનો બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ 16.98 ટકા ઊછળી 259.40ના સ્તરે વિરમ્યો હતો. ટૂર ટ્રાવેલના કામકાજમાં રત આ કંપનીના શેરમાં માત્ર સાત ટકા જ ડિલિવરી કામકાજ થયાં હોવાથી સટ્ટાકીય લે-વેચની આશંકા વ્યક્ત થતી હતી. નિફ્ટી કેપિટલ માર્કેટ આંક 3.48 ટકા વધી 4400 અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ સાડા ત્રણ ટકાના ગેઇને 1297 થઇ ગયા હતા. ઓટો સૂચકાંક 2.43 ટકાના ગેઇને 24,515, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ આંક પોણા ત્રણ ટકા ઊછળી 22,281 બંધ હતા. મંગળવારના સુધારામાં નિફ્ટી-સેન્સેક્સમાં ટોપ ફાઇવ ગેઇનર્સમાં ઇન્ડિગો સાડા પાંચ ટકાના ઉછાળે રૂા. 4162 બંધ થયો હતો. ઇન્ટરગ્લોબલ એવીએશનમાં ક્રૂડના ભાવમાં ઘટાડાની અસર કામ કરી ગઇ હતી. બીજા ક્રમાંકે લાર્સન સવા પાંચ ટકા સુધરી 3515 બંધ હતો. બજાજ ફાયનાન્સ પાંચ ટકાના ગેઇને રૂા. 853ના સ્તરે વિરમ્યો હતો. ઇટર્નલ 4.89 ટકા વધીને રૂા. 238 બોલાતો હતો. 38 ટકા ડિલિવરી વોલ્યૂમ હતું. એશિયન પેઇન્ટ્સે 10 એપ્રિલથી અમલી 6-8 ટકા ભાવ વધારાની જાહેરાત કર્યા પછી 4.68 ટકાના ગેઇને રૂા. 2220 બંધ હતો. સામે પક્ષે કોલ ઇન્ડિયા ત્રણ ટકા ઘટી રૂા. 441, પાવરગ્રીડ સવા ટકાના નુકસાને રૂા. 298, અદાણી એન્ટરપ્રાઇસ 0.43 ટકા ઘટી રૂા. 1825 અને સનફાર્મા 0.32 ટકા ગુમાવી રૂા. 1752 બંધ હતા. રોકાણકારોની મૂડી વધી  રૂા. 421 લાખ કરોડ એનએસઇ ખાતે માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 421.25  લાખ કરોડ થઇ ગયું હતું. બીએસઇમાં એ રૂા. 422.78 લાખ કરોડનું હતું. 

Panchang

dd