• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સંશોધકોને આકર્ષતી કચ્છભૂમિ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : લખનઉ સ્થિત બિરબલ સહાની ઇન્સ્ટિટયૂટના સંશોધક-ભૂસ્તરશાત્રીઓની ટુકડીએ રાપર તાલુકાના પાલનપુર નજીક 1500 વર્ષ જૂનું માનવ હાડાપિંજર શોધી કાઢ્યું એ ઘટના આ વિષયમાં રસ ધરાવનારાઓને રોમાંચિત કરનારી છે. ડો. મહેશ ઠક્કરને એ ક્ષેત્રમાં નિરંતર ભ્રમણ કરીને અવનવી માહિતી ખોજી કાઢતા પત્રકાર મહાદેવ બારડે આપી હતી. તેને આધારે વૈજ્ઞાનિક પદ્ધતિએ ખોદકામ કરીને  નરકંકાલના અવશેષ શોધી કાઢવામાં આવ્યા છે. આ અવશેષોને વધુ પૃથક્કરણ અને સચોટ જાણકારી માટે લખનઉ મોકલવામાં આવશે. કચ્છના પશ્ચિમ અને પૂર્વ ક્ષેત્રમાં આવી અનેક મહત્ત્વપૂર્ણ ખોજ અગાઉ થઈ ચૂકી છે. કુદરતની પ્રયોગશાળા કચ્છ ભૂસ્તરશાત્રીયો માટે દાયકાઓથી આકર્ષણરૂપ રહ્યું છે. પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સાઈટ ધોળાવીરા હોય કે કુરન પાસે નીકળેલી એવી જ સાઈટ, તેની ખ્યાતિ અને મહત્ત્વ દેશ-વિદેશ સુધી પહોંચી  ગયા છે. વીતેલાં વર્ષોમાં કચ્છમાંથી સંશોધકોએ કેટલાય અજાયબ કરનારા ફોસિલ્સ કે સ્થળો શોધી કાઢ્યા છે. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોની માન્યતા મળ્યા પછી પ્રવાસીઓનો મોટો પ્રવાહ એ સ્થળ તરફ વહેતો થયો છે. ધોળાવીરા હડપ્પન સાઇટની સાથે ત્યાં રણકાંધીએ આવેલા ફોસિલ્સ પાર્કનો અનુભવે ગજબનો છે. 2007માં હડપ્પન નગરથી થોડે દૂર 17.6 કરોડ વર્ષ જૂના વૃક્ષના અશ્મિ મળી આવ્યા હતા. બન્યું એવું હતું કે, વનખાતાંએ પ્રકૃતિ શિબિર યોજી હતી, એ દરમ્યાન ફોરેસ્ટ ગાર્ડ પ્રભુરામ કોળીએ વૃક્ષનો ફોસિલ શોધ્યો. એ પછી એ વિસ્તારમાં કરોડો વર્ષ જૂનાં વૃક્ષોના અનેક ફોસિલ્સ હોવાની સંભાવના જાગી અને આજે ત્યાં નયનરમ્ય ફોસિલ પાર્ક બની ગયો છે. એ વૃક્ષ અશ્મિના નમૂના જોઇને સિનિયર જિયોલોજિસ્ટ બોલી ઊઠયા હતા, `અનબિલિવેબલ...' કેમ કે, જુરાસિક યુગના જણાતા આટલા જૂના અશ્મિ અગાઉ ક્યાંય મળ્યા નથી. આવા તો અનેક અશ્મિને ગુજરાતના પ્રાગૈતિહાસિક સંપત્તિ કહી શકાય. અગાઉના કેટલાક બીજા રોમાંચક સંશોધનો પર નજર કરીએ તો ખ્યાલ આવે કે, કચ્છ ખરેખર (અશ્મિ) સંપત્તિવાન મુલક છે. ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસેનો  કુંવરબેટ વિસ્તાર ડાયનોસોરના અશ્મિથી સમૃદ્ધ હોવાનું સંશોધકો પૂરવાર કરી ચૂક્યા છે. ડો. પુલીન વસાએ માંડવી તાલુકાનાં કોટડી મહાદેવપુરી ગામ પાસેથી હાયરેન્ટો સોરસ વર્ગના ડાયનોસોરનું ઇંડું શોધી કાઢ્યું હતું. તેનું એ સમયે સીટી સ્કેનિંગ કરાવતાં તેમાં ડાયનોસોરના પૂર્ણવિકસિત બચ્ચાંના ગર્ભની હાજરી સ્પષ્ટ જણાઇ આવી હતી. વીસ કરોડ વર્ષ પહેલાં મહાકાય ડાયનોસોર પ્રાણી કચ્છની ધરતીને ધમરોળતાં હતાં. એ  કલ્પના માત્ર સંશોધકો અને સામાન્યજનને પણ રોમાંચનો અનુભવ કરાવે છે. 2007ના જ અરસામાં પશ્ચિમ કચ્છના લખપત તાલુકામાં ગુનેરી અને બાબિયા હિલ્સ તથા તેની આજુબાજુ થયેલાં ખોદકામ દરમ્યાન 40 કરોડ વર્ષ જૂના મનાતા મગરના અશ્મિ મળી આવ્યાનું નોંધાયું છે. ભૂસ્તરશાત્રીઓ અને સંશોધકો માટે લખપત તાલુકો ધરતીમાં અનેક રહસ્યો ધરબીને બેઠો છે. 2012ના જૂન મહિના દરમ્યાન ફુલરા, પાનધ્રો લિગ્નાઇટ ખાણ વિસ્તારમાં ઉત્ખનન દરમ્યાન પાંદડાના ફોસિલ મળી આવ્યા હતા, જે ચારથી પાંચ કરોડ વર્ષ જૂના હોવાનો અંદાજ ભૂસ્તરશાત્રીઓએ બાંધ્યો છે. એ સિવાય વ્હેલ માછલી, કાચબા, કેટફિશના અવશેષો સમયાંતરે મળ્યા છે. સાડા ચાર કરોડ વર્ષ પહેલાં કચ્છમાં મગર બહુ સામાન્ય હતા અને સમુદ્રમાં જ્યાં મગર હતા ત્યાં વ્હેલ, સી કાઉ, શાર્ક માછલીઓનોય વસવાટ હતો. વિજ્ઞાનીઓનાં તારણ મુજબ કરોડો વર્ષ પૂર્વે દરિયામાંય કચ્છ અને જેસલમેરની જમીન સૌ પહેલી ઉપસી આવી હતી, તેને કારણે સમુદ્રમાં રહેતા જીવો સપાટી પર આવી ગયા હોય તેવી સંભાવના છે. લખપત તાલુકાની જેમ પૂર્વ કચ્છનો ખડીર મહાલ વિસ્તાર પણ અશ્મિસમૃદ્ધ છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ટીમે ખડીર - ચેરિયાબેટ વિસ્તારમાંથી ડાયનોસોરનાં હાડકાંના અવશેષ શોધી કાઢ્યા હતા. મા આશાપુરાનાં બેસણા છે અને ભાવિકોના પ્રવાહથી  બારેમાસ તીર્થધામ  ધમધમી રહ્યું છે એ માતાના મઢ વિસ્તારની અમુક સાઇટ લાલ માટીના લીધે મંગળ ગ્રહ જેવું જ દૃશ્ય રચે છે. વિજ્ઞાનીઓ - ખગોળશાત્રીઓ સંશોધન કરી શકે એ હેતુથી સાઇટને સુરક્ષિત જાળવી રાખવાની હિમાયત થતી રહી છે, પણ ખનિજની જંગી કમાણીની લહાયમાં કચ્છમાં બેફામ ખોદકામ ચાલી રહ્યું છે. કાયદેસર ઓછું ને ગેરકાયદે વધુ. વર્ષ 2000માં વારાણસીમાં  યોજાયેલા દેશભરના ભૂસ્તરશાત્રીઓના સેમિનારમાં એવું તારણ નીકળ્યું હતું કે, સાડા છ કરોડ વર્ષ પહેલાં ભુજમાં મોટાપીર નજીક ઉલ્કા પ્રપાતથી જુરાસિક જીવો નષ્ટ થયા હતા. અહીં એ નોંધનીય છે કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સેંકડો છાત્રો કચ્છના ભૂસ્તર ઉપર પીએચડી કરી ચૂક્યા છે. કચ્છ સૂકો રણપ્રદેશ છે. સેંકડો કિલોમીટરનો વિસ્તાર નમકાચ્છાદિત કે સૂકો છે. એક સમયે કચ્છની તસવીર જુદી હતી. 2019માં આંતરરાષ્ટ્રીય જર્નલમાં શોધપત્ર પ્રસ્તુત થયું હતું, જેમાં એવું નિર્દિષ્ટ થયું કે, લગભગ 1.4 કરોડ વર્ષ (મિયોસીન યુગ)માં કચ્છ ઘાસિયા મેદાન-વિશાળ સરોવરો સાથેનું વન હતું, જેમાં ગેંડા, હાથી, જિરાફ જેવા વિશાળ સસ્તન પ્રાણી વિચરતાં હતાં. કચ્છના સિનિયર જિયોલોજિસ્ટ ડો. મહેશ ઠક્કર, ડો. ગૌરવ ચૌહાણ તેમજ ફ્રાન્સના વિજ્ઞાની માર્ટીન પિકફોર્ડ અને ભારતીય વિજ્ઞાની વિવેશ કપૂરની ટીમે લાંબા સમયના સંશોધન બાદ આ તારણ રજૂ કર્યું હતું. કચ્છ વિશેની આ બધી રોમાંચક પરિકલ્પનાઓ જ નથી, વૈજ્ઞાનિક ઢબે સંશોધન પછી નીકળેલાં તારણો છે. આજની પેઢીએ આમાં રસ લેવો જોઇએ. સૌથી ગંભીર પડકાર ઔદ્યોગિક વિકાસની વેગીલી રફતારમાં આ બધી સાઇટ્સનું રક્ષણ કરવાનો છે. 

Panchang

dd