• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

વડાપ્રધાન સામે કાવતરું અને `કબર ખોદવા'નો જવાબ

બજેટ સત્રના આરંભમાં રાષ્ટ્રપતિજીએ કરેલાં મંગળ પ્રવચન બદલ આભાર માનતા પ્રસ્તાવની ચર્ચાનો જવાબ વડાપ્રધાન લોકસભામાં આપી શક્યા નહીં, પણ રાજ્યસભામાં એમણે વિપક્ષ - વિશેષ કરીને કોંગ્રેસ અને `યુવરાજ'ને બરાબર આડેહાથ લીધા. શરૂઆતમાં વિશ્વમાં ભારતનું સ્થાન-માન વધી રહ્યું છે અને વિકસિત ભારતમાં યુવાવર્ગ માટે `અવસર જ અવસર' હશે એમ કહીને ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો. અમેરિકી પ્રમુખે ટેરિફમાં ઘટાડો કર્યા પછી ભારતીય અર્થતંત્રના વિકાસ અને વિકસિત ભારતનાં નિર્માણ માટેનો વિશ્વાસ એમના ભાષણમાં ઝળકતો હતો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નેતાઓને જબરદસ્ત લપડાક મારી છે. લોકસભામાં કાર્યવાહી ઠપ કરવામાં કોંગ્રેસને સફળતા મળી હતી, પણ રાજ્યસભામાં થોડી ધાંધલ મચાવીને સભાત્યાગ કરી ગયા હોવાથી વડાપ્રધાનના ચાબખા સાંભળવા હાજર નહોતા અને વડાપ્રધાને પણ કટાક્ષમાં કોંગ્રેસનો આભાર માન્યો કે, રાજ્યસભામાં જવાબ આપી શકયા! લોકોનું અપમાન કરવાની આદત જ નહીં, કોંગ્રેસનો સ્વભાવ છે એમ કહીને મોદીએ ઉમેર્યું કે, રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. સંવિધાનનું પણ અપમાન કર્યું. કોંગ્રેસ હવે સંવિધાનનું નામ લઈ શકે નહીં. રાષ્ટ્રપતિના મંગળ પ્રવચન બદલ આભાર માનતા ઠરાવની ચર્ચા પણ થાય નહીં તેથી મોટું અપમાન કયું હોય? લોકસભામાં અધ્યક્ષસ્થાને બેઠેલા આસામના સભ્ય બેઠા ત્યારે એમનું અપમાન અને આંધ્રના મહિલા અ.જા. સભ્યનું પણ અપમાન કર્યું છે. આસામના ભૂપેન્દ્ર હઝારિકાને ભારતરત્ન આપવાની જાહેરાત થઈ ત્યારે પણ વિરોધ થયો હતો! કોંગ્રેસના `યુવરાજ' માને છે કે, રાજગાદી એમના પરિવારની માલિકી છે! યુવરાજે એક સંસદસભ્યને `ગદ્દાર' કહીને અપમાનિત કર્યા તેની પાછળ કોંગ્રેસની નફરતની નીતિ છે. શીખ સંસદસભ્યે કોંગ્રેસનો ત્યાગ કર્યો હોવાથી રાહુલ ગાંધીએ એમને ગદ્દાર કહ્યા, પણ મોદીએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યા વિના કોંગ્રેસની જૂની નફરત છે એમ કહ્યું ત્યારે સૌ સમજી ગયા કે નફરત જૂની છે ! કોંગ્રેસે વડાપ્રધાનની કબર ખોદવાનાં સૂત્રો પોકાર્યાં છે તેની મજાક ઉડાવતાં મોદીએ કહ્યું કે, કબર કદી ખોદી નહીં શકો કારણ કે દેશવાસી મહિલાઓ - માતાઓનું કવચ અભેદ છે. `કબર ખોદવા' પાછળની નફરતનાં કારણોમાં વડાપ્રધાને સરકારની સિદ્ધિઓ ગણાવી. ગાંધી પરિવારને `ચોરી'ની જૂની આદત છે. `ગાંધી' ઓળખ પણ ચોરી છે - મહાત્મા ગાંધીની ઓળખ ચોરી છે ! એમ કહીને પ્રહાર કર્યા છે. દરમ્યાન લોકસભાના સ્પીકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહમાં કશુંક `અસાધારણથઈ રહ્યું હોવાની બાતમી મળતાં તેમણે પીએમને ગૃહમાં ઉપસ્થિત ન થવા કહ્યું હતું એવી ઓમ બિરલાની ટિપ્પણી જેટલી ચોંકાવનારી છે એટલી જ લોકતંત્ર માટે ચિંતા ઉપજાવનારી છે. સત્તા મેળવવામાં સરિઆમ વિફળ વિરોધપક્ષ એટલી નીચલી હદે જવાનું વિચારતો હોય એ આઘાતજનક છે. પીએમ આખા દેશના છે અને તેમનું ગૌરવ જાળવવાની સૌની ફરજ છે. નરેન્દ્ર મોદીને અપમાનિત કરવાનું કાવતરું રચનારાઓને ખુલ્લા પાડીને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસે સમજી લેવું રહ્યું કે, આવા હીન ઉપાયો પક્ષને ફાયદો નહીં નુકસાન કરશે. 

Panchang

dd