• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

આંતરિક ગામોને મુંદરા સાથે જોડતા મુખ્ય માર્ગની પહોળાઇ વધારવા માંગ

કોટડા (ચકાર) તા. 9 : ભુજ અને મુંદરા તાલુકાના ચકાર, નાના - મોટા બંદરા, લફરા, કુંદરોડી સહિતના ગામોને જોડતા મુખ્ય માર્ગની પહોળાઇ વધારી વિકાસ કરવા માંગ ઊઠી હતી. બંદરા ગામના સરપંચ મોહનસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ મેઘુભા જાડેજાએ પંચાયત ઠરાવ કરી ધારાસભ્ય - રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સમક્ષ રજૂઆત કરી હતી. સમગ્ર પંથકના વેપાર, ખેતી, રોજગાર અને આવન - જાવન માટે આધારરૂપ આ માર્ગની પહોળાઇ વધારી કાયમી અને મજબૂત વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. રોજબરોજ ખાનગી વાહનો, એસ.ટી. બસો, માલવાહક ટ્રકો, ખેતી ઉત્પાદન લઈ જતાં વાહનો તથા વેપારીઓની સતત અવરજવરને ધ્યાનમાં લઇને ચકાર - જાંબુડીના  સરપંચ ખીમજીભાઈ મારવાડાએ રસ્તાની બંને  બાજુ ઊગેલી બાવળ - ઝાડીઓ દૂર કરી પૂર્ણ પહોળાઇ સાથે વિકાસિત કરવાની માંગ કરી છે. ઝાડીઓ અને અવરોધોને કારણે રસ્તાની પહોળાઇ ઘટી રહી હોવાનું જણાવ્યું હતું. મુખ્ય માર્ગને યોગ્ય આયોજન સાથે પહોળો બનાવવામાં આવે તો ભુજ - મુંદરા વચ્ચેનું જોડાણ વધુ સુવ્યવસ્થિત બને તેવો ગામલોકોએ મત વ્યક્ત કર્યો હતો. આ સાથે વિસ્તારના ખેડૂતો, વેપારીઓ તથા લોકોને સુવિધા મળે અને પંથકનો વિકાસ થાય એ હેતુ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆતો કરાઇ હતી.

Panchang

dd