• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલ-ઓઈલ પાછળ 1.71 કરોડનો ધુમાડો

ગાંધીધામ, તા. 9 : તત્કાલીન સમયની નગરપાલિકા હસ્તકના વાહનો જેટલા શહેરની કામગીરીમાં ઉપયોગમાં નહોતા આવતા તેના કરતાં પેટ્રોલ-ડીઝલ-ઓઇલ અને વાહન રિપેરિંગ ખર્ચ વધુ આવતો હતો, તેમ છતાં વાહનોની સ્થિતિ અત્યંત ખરાબ હતી તે સમયના વાહનો રખરખાવના અભાવે લગભગ ભંગાર બની ગયાં છે. ગત વર્ષે એટલે કે, 1/4/2024થી લઈને 31 માર્ચ 2025 દરમિયાન વાહન વિભાગ પાછળ રૂા. 3,06,11,321નો ખર્ચ કરવામાં આવ્યો છે, તે પૈકી પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ પાછળ કરોડથી વધુની રકમનો ધુમાડો કરવામાં આવ્યો છે, તેમાં 9 મહિના નગરપાલિકાનો સમયગાળો હતો અને ત્રણ મહિના મહાનગરપાલિકાનો સમયગાળો રહ્યો છે.  નગરપાલિકા-મહાનગરપાલિકા દ્વારા એક એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 દરમિયાન બજેટમાં વાહન વિભાગ પાછળ 4.25 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી સુધારેલા અંદાજપત્રમાં 5.60 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો હતો. 9 મહિના નગરપાલિકા અને ત્રણ મહિના મહાનગરપાલિકાએ વર્ષના અંતે વાહન વિભાગ પાછળ ત્રણ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ પાછળ એક કરોડ 71 લાખ 43 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. વાહનોના વીમા પ્રીમિયમ પાછળ 9,84,151 તથા આઉટસોર્સિંગથી કામદારો રાખવા પાછળ 93.57 લાખ, આઉટસોર્સિંગથી વાહનો ભાડે રાખવા પાછળ બે લાખ પાંચ હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અલગ-અલગ વિભાગો માટે વાહનો ભાડે રાખીને લાખો રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થઈ રહી છે. એટલે કે, આઉટસોર્સિંગથી કરાવવામાં આવે છે તેમ છતાં ભાડાના વાહનો રાખવામાં આવે છે.  વાહન રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ખરેખર જરૂરિયાત હોય છે ત્યારે તંત્રને તેના જ વાહનો ઉપયોગમાં આવતા નથી. પરિણામે ભાડાના વાહનો રાખવા પડે છે. જેના કારણે જ વાહન વિભાગ પાછળ જંગી ખર્ચ થઈ રહ્યો છે.

ટેન્કરોનું 22.68 લાખ રૂપિયા ભાડું ચૂકવાયું

ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં મોટા-મોટા દાવાઓ વચ્ચે લોકોને પીવાનું પાણી મળતું નથી. તત્કાલીન સમયના તંત્રે લોકોને પાણી પૂરું પાડવું છે તેમ કહીને ભાડાના ટેન્કરો રાખવામાં આવ્યા હતા તેનું એક વર્ષમાં 22,68,355 રૂપિયાનું ભાડું ચૂકવાયું છે. જે-તે સમયે લોગબુકની નિભાવણી થતી હતી કે નહીં તે સહિતના સવાલો પણ ઊભા થયા હતા. મહાનગરપાલિકા બન્યા પછી ભાડાના ટેન્કરો રાખવાનું બંધ કર્યું હતું. હાલના સમય તો મહાનગરપાલિકા પાસે લગભગ 9 પાણીનાં ટેન્કર છે.

વાહન વિભાગ નધણિયાતો બન્યો

વાહન વિભાગના ઇન્ચાર્જ હેમંતભાઈ ગગલાણીનું નિધન થયા પછી આ વિભાગ નધણિયાતો થઈ ગયો છે. હાલના સમયે કોઈને ચાર્જ  સોંપવામાં આવ્યો નથી. જેના પગલે વાહનોમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલના ખર્ચ બાબતે વ્યાપક સવાલો ઊઠી રહ્યા છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનરે આ વિભાગની સમીક્ષા કરવી જોઈએ અને પેટ્રોલ, ડીઝલનો જે ખર્ચ આવે છે તે ખરેખર યોગ્ય છે કે નહીં. વાહનોની દેખરેખ રાખવામાં આવી રહી છે કે નહીં તે સહિતના સવાલો છે અને તેની સમીક્ષા થવી જોઈએ અને ત્યારબાદ યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી માંગ પણ ઊઠી છે.

હાલના સમયે 15થી 20 વાહન ભંગાર અવસ્થામાં

મહાનગરપાલિકા વાહનો પૈકી 15થી 20 વાહનની સ્થિતિ અત્યંત ખરાબ છે. કન્ટેનર કેરિયર, મિની ફાયર, સફાઈની ગાડીઓ, ટ્રેક્ટરો, વેક્યુ ટાકા સહિતના વાહનો ભંગાર થઈ ગયાં છે. લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, છતાં વાહનોની સ્થિતિ સારી નથી. વહીવટી તંત્ર દ્વારા વાહન રિપેરિંગ ખર્ચ ઉપર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં છ બોલેરો એક ટાટા તથા એક જેસીબી સહિત નવ વાહન નવાં આવ્યાં છે. આ વિભાગનો ચાર્જ સક્ષમ અધિકારીને સોંપાય તે જરૂરી છે.

Panchang

dd