પહેલગામના
આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સામે છેડેલાં ઓપરેશન સિંદૂરની સફળતા સામે અમુક વર્તુળો
સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. દેશપ્રેમની લાગણીથી તરબતર આ સફળતાની સામે રાજકારણ પ્રેરિત
સવાલ ખડા કરનારા ઘર આંગણાના વર્તુળોને વધુ એક વખત સરહદપાર પાકિસ્તાનથી જવાબ મળ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશમંત્રી ઈશાક દાર અને લશ્કરી વડા
આસિમ મુનીર બાદ હવે રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારીએ પણ સ્વીકાર્યું છે કે, ભારતની મિસાઈલોએ પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. તેને લીધે આખા દેશમાં
ભારે ડર ફેલાયો હતો. ભારતના સચોટ અને સંયમિત હવાઈ હુમલામાં પાકિસ્તાન આખાની ઊંઘ ઊડી
ગઈ હતી. હાલત એવી થઈ ગઈ હતી કે, ત્યાંની ટોચની નેતાગીરીને બંકરોમાં
છુપાવવાની તૈયારી શરૂ કરાઈ હતી. આ વાસ્તવિકતાનો સ્વીકાર બીજા કોઈએ નહીં, પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કર્યો છે. એક કાર્યક્રમ દરમ્યાન સંબોધન કરતી વેળાએ
ઝરદારીએ એકરાર કર્યો કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનની ટોચની
નેતાગીરીમાં ભારે ભયનો માહોલ હતો. હુમલા દરમ્યાન તેમના લશ્કરી સચિવે તેમને બંકરમાં
આશરો લેવાની સલાહ આપી હોવાનું પણ ઝરદારીએ કહ્યંy છે. જો કે, તેમણે બંકરમાં જવાનો ઈન્કાર કરીને
નેતા કદી બંકરમાં મરતા ન હોવાનું કહ્યાનો પણ તેમણે દાવો કર્યો છે. જો કે, તેમણે એ કબૂલાત પણ કરી છે કે, સરકારની માંડીને લશ્કર
સહિત તમામ તે સમયે ભયભીત હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિદેશમંત્રી
ઈશાક દાર પણ આવી વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતે
રાવલપિંડી ખાતેના નૂરખાન વાયુમથક પર હુમલો કરીને તેને ભારે નુકસાન પહોંચાડયું હતું.
તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો આ એકરાર કર્યો હતો. તેમની સાથોસાથ પાકિસ્તાનના શક્તિશાળી
લશ્કરી વડાએ પણ આવી વાત કરી હતી. જનરલ મુનીરે સ્વીકાર્યું કે, સાતમી મેના ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે ખુદ અલ્લાહે તેમને (ભારતને)
મદદ કરી હતી. આ વાતની પોતાને પ્રતીતિ થઈ હોવાનું તેમણે કહ્યંy હતું, તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે
ઓપરેશન સિંદૂરના 10 દિવસ
બાદ કહ્યંy હતું કે, ભારતની બ્રહ્મોસ મિસાઈલોએ પાકિસ્તાને ધમરોળી નાખ્યું હતું. તેમણે પણ રાવલપિંડી
વિમાનમથકને ભારે નુકસાન થયાનું સ્વીકાર્યું હતું. ભારતનાં ઓપરેશન સિંદૂરની સફળતાનો
સ્વીકાર કરનાર પાકિસ્તાનની ટોચની નેતાગીરીની યાદીમાં હવે ત્યાંના રાષ્ટ્રપતિ ઝરદારી
પણ સામેલ થઈ ગયા છે. હવે તો ભારતના ઘર આંગણાના નેતાઓએ આ ઓપરેશન સામે સવાલો ખડા કરવાથી
અળગા રહેવું જોઈએ, પણ તેમની પ્રકૃતિને જોતાં દુશ્મનના સ્વીકારને
પણ આ વર્ગ રાજકીય લાભ માટે માન્ય રાખે એવી શક્યતા જણાતી નથી.