ગાંધીધામ, તા. 2 : ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ કેબલ
નાખવાના ચક્કરમાં પીજીવીસીએલ અને માર્ગોના કામોમાં પાલિકાના કોન્ટ્રાક્ટર લાઈનો તોડીને
આવશ્યક સેવાઓ બાધીત કરી રહ્યા છે.છતાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં
રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો લાઈનો તોડી નાખે છે. લોકોને ચાર દિવસે
મળતું પીવાનું પાણી છ દિવસે મળે છે અને વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ રહી છે.સેવા માં વારંવાર
વિક્ષેપ આવતો હોવાથી શિયાળાની સિઝનમાં પાણીની કટોકટી નો સામનો લોકોને કરવો પડી રહ્યો
છે. - પીજીવીસીએલ ના કારણે લાઈનોને વ્યાપક ક્ષતી : ગાંધીધામના ગુરુકુલ થી સીધો રમતગમત સંકુલ
તરફ જતા માર્ગ ઉપર 7/એ વિસ્તારમાં
પીજીવીસીએલ ના વહીવટી તંત્રએ ટ્રાન્સફોર્મર માટે લોખંડના વીજપોલ ઊભા કરવા માટે ખોદકામ
કર્યું હતું એ દરમિયાન પીવાના પાણીની લાઈન તોડી નાખી હતી. સવારે સપ્લાય થતાં હજારો
લિટર પાણીનો વેડફાટ માર્ગો ઉપર થયો હતો અને પીજીવીસીએલ ના ટ્રાન્સફોર્મર માટે ઉભા કરેલા
લોખંડના વીજપોલ નમી ગયા હતા.ધરાશઈ થવાની અણીએ પહોંચી ગયા છે. તેમણે તોડેલી લાઈન પાલિકા
માટે તો નુકસાન છે જ પણ ખુદના માટે પણ નુકસાન છે. ટ્રાન્સફોર્મર માટેના પોલ પડી જવાની
તૈયારીમાં છે.લાઈન તોડી નાખવાથી વ્યાપક પાણીનો વેડફાટ પણ થયો છે. પાલિકાના પાણી વિભાગના
અને પીજીવીસીએલના જવાબદારો સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યાં સુધીમાં તો વ્યાપક નુકસાન થઈ
ચૂક્યું હતું વારંવાર લાઈનો તોડવામાં આવી રહી છે. અગાઉ ગુરુકુળ રોડ ઉપર ત્રણ અલગ અલગ
જગ્યાઓએ લાઇન તોડી હતી. આ ઉપરાંત અન્ય અનેક વિસ્તારોમાં લાઈનો તોડવાની ઘટનાઓ ઘટી છે.ખુદ
પીજીવીસીએલ ના જવાબદારોનું તેના કોન્ટ્રાક્ટર ઉપર કોઈ નિયંત્રણ નથી તંત્રની અને તેના
કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જોડિયા શહેરોના લોકોની મુસીબત નો સામનો કરવો પડે
છે. વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.તેમ છતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઈપણ
પગલાં ભરવાની તસ્દી લેવામાં આવતી નથી જે વિસ્તારમાં લાઈન તૂટે છે ત્યાં લોકોને પીવાનું
પાણી મળતું નથી છતાં અધિકારીઓ કોઈ પગલા ન ભરાતા સવાલો ઉઠી રહ્યા છે. - કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવામાં પાલિકા ઉણી ઉતરી : તો બીજી તરફ
મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પણ મનપાની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડે છે અગાઉ આદિપુરમાં
ગણપતિ માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર લાઈન તોડી નાખ્યા પછી પાણી વિભાગના અધિકારીઓ સામે પાવર
બતાવ્યો હતો તેની સામે કાર્યવાહી કરવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે હવે શિવાજી પાર્ક
બગીચા પાસે કોન્ટ્રાક્ટરે વરસાદીનાળાના ખોદકામ માટે એક બાજુ ગટરની લાઈન તોડી નાખી છે
અને સામેની બાજુ પીવાના પાણીની લાઈન તોડી નાખી છે આડેધડ ખોદકામ કરી રહ્યા છે અને લાઈનોને
નુકસાન પહોંચે છે છતાં પાલિકાના જવાબદારો કોઈ પગલાનો ભરતા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા
સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. - જોડિયા શહેરોમાં 30થી વધુ ગટર ચેમ્બરોને
ભારે નુકશાન : ગાંધીધામમાં પીજીવીસીએલ અને નગરપાલિકા ના
કોન્ટ્રાક્ટરો આવશ્યક સેવાઓ ની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડે છે જોડિયા શહેરોમાં
કોન્ટ્રાક્ટરોના ખોદકામ દરમિયાન લગભગ 30 ગટર ચેમ્બરોને ભારે નુકસાન પહોંચ્યું છે. તેના કારણે ગટર સમસ્યા
પણ વકરી રહી છે. આવશ્યક સેવાઓ કથળે અને કંગાળ થાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા યોગ્ય
પગલા ભરવામાં આવે તે જરૂરી છે.