કાઠડા (તા. માંડવી), તા. 2 : લોકોને આરોગ્ય સુવિધા મળી રહે, તે હેતુથી દરેક તાલુકા મથકે સરકારી હોસ્પિટલ
કાર્યરત હોય છે અને એમાં માંડવીની સરકારી હોસ્પિટલને સબડિસ્ટ્રીક્ટનો દરજ્જો મળ્યો
છે, પણ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ તથા સાધનોના અભાવને
પગલે ઘણા સમયની માંગ છતાં સુવિધા ઉપલબ્ધ ન કરાતાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરાયું
હતું. અહીંની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન સાત મહિનાથી બંધ હોવાનું તથા નિવાસી
તબીબ અધિકારી વર્ગ-1, નેત્રસર્જન
વર્ગ-1, રેડિયોલાજિસ્ટ વર્ગ-1, એનેસ્થેટિક વર્ગ-1, બાળરોગ નિષ્ણાત વર્ગ-1, એસએનજીયુ બાળરોગ નિષ્ણાત વર્ગ-1 સહિતની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડી હોવાની
ફરિયાદ સાથે આ જગ્યાઓ પૂરાય તે માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ અનેક રજૂઆતો કરી
હોવા છતાં ધ્યાને ન લેવાતા પ્રમુખ જગદીશ વેરશી થારૂ અને રમેશ મેઘજી ઘેડા તથા અન્ય સભ્યોએ
માંડવી શહરેની દુકાનો ઉપર આ જગ્યાઓ પૂરાય તે માટે પ્રદર્શન કર્યું હતું. આ રકમ મામલતદારને
જમા કરાવશુંનું જણાવ્યું હતું અને શ્રી થારૂએ ઉમેર્યું હતું કે, ઘણા સમયથી સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં
કોઈ નિરાકરણ આવ્યું નથી હોવાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ અધીક્ષક
ડો. તૃપ્તિબેન ધાનાણીનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, એક્સ-રે
મશીન માટે ઘણા સમયથી ઉપર લેવલે રજૂઆતો કરાઈ છે. હવે રૂબરૂ ગાંધીનગર રજૂઆત કરવા જવાના
હોવાનું ઉમેર્યું હતું અને ખાલી પડેલી ડોક્ટરની જગ્યા અંગે પણ રજૂઆત કરી દેવાઈ છે.
અને કોઈ પણ ઈમરજન્સી આવે, તો તમામ સેવાઓ ઉપલબ્ધ હોય છે. એક્સ-રેને
લગતી હોય તો સરકારી એમ્બ્યુલન્સ મારફતે ભુજ રીફર કરીને પણ સેવા અપાય છે. અને ઓપીડી
પણ નિયમિત પણે ચાલુ છે. હાલમાં જ જનરલ સર્જનની ખાલી પડેલી જગ્યા આઠ દિવસ હાજર થઈ જતા
તેની પણ સેવા કાર્યરત છે અને અમારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને જગ્યા પૂરાય માટે
કાર્યશીલ હોવાનું ઉમેર્યું હતું.